પેરિસ સહિતના શહેરોમાં મુકાબલા પહેલાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરાઈ હોવા છતાં રમખાણો ફાટી નીકળ્યા: હજુ પણ તોફાનો ચાલું હોવાના અહેવાલ
આર્જેન્ટીનાએ ફીફા વર્લ્ડકપ-2022ના ફાઈનલમાં ફ્રાન્સને હરાવીને વર્લ્ડકપ જીતી લીધો છે. પેનલ્ટી શૂટઆઉટ સુધી ગયેલા આ મુકાબલાને આર્જેન્ટીનાને 4-2થી જીત મેળવી હતી. ફાઈનલમાં મળેલા પરાજય બાદ ફ્રાન્સમાં ચાહકોએ પિત્તો ગુમાવ્યો હતો અને દેશના અલગ-અલગ વિસ્તારોમાં રમખાણો ફાટી નીકળ્યા હતા.
- Advertisement -
સ્થાનિક અહેવાલો પ્રમાણે આર્જેન્ટીના સામે મળેલી હાર બાદ પેરિસમાં જોરદાર હિંસા ફાટી નીકળી હતી અને ચાહકોએ ગાડીઓમાં તોડફોડ, આગજની કરી હતી જેથી સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.
ફીફા વર્લ્ડકપ ફાઈનલ માટે ફ્રાન્સના અલગ-અલગ શહેરોમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર આવ્યા હતા. અહીં મોટી-મોટી સ્ક્રીન ઉપર વર્લ્ડકપના ફાઈનલનું પ્રસારણ ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાન જેમ-જેમ મેચનો માહોલ ગરમાતો ગયો તેમ તેમ ચાહકોના દિલની ધડકન વધવા લાગી હતી. પરંતુ જેવી પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સની હાર થઈ ગઈ કે જોતજોતામાં લોકો બેકાબૂ બનતા ગયા હતા અને અલગ-અલગ શહેરોમાં હિંસા ફાટી નીકળી હતી. પેરિસ ઉપરાંત લૉયનમાં પણ પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે કેમ કે ફ્રાન્ચના ચાહકોએ અહીં મોટી સંખ્યામાં કારને આગ ચાંપી દીધી હતી.
- Advertisement -
ફ્રાન્સના અલગ-અલગ શહેરોમાંથી અમુક વીડિયો અને તસવીરો સામે આવી છે જ્યાં લોકો કારમાં તોડફોડ કરતાં તેમજ આગ લગાવતાં જોવા મળી રહ્યા છે. પેરિસમાં પહેલાંથી જ મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી પરંતુ તેની કોઈ જ અસર જોવા મળી નહોતી કેમ કે લાખોની સંખ્યામાં ચાહકો રસ્તા પર હતા અને ફાઈનલમાં મળેલી હાર બાદથી જ બેકાબૂ બની ગયા હતા.
ફીફા વર્લ્ડકપના ફાઈનલની વાત કરવામાં આવે તો કતારના લુસૈલ સ્ટેડિયમમાં રમાયેલા ફાઈનલ મુકાબલામાં આર્જેન્ટીનાએ ફ્રાન્સને 4-2થી હરાવ્યું છે. આ મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી આવ્યો હતો. મેચ નિર્ધારિત સમયમાં જ્યારે પૂર્ણ થઈ ત્યારે સ્કોર 3-3ની બરાબરી પર હતો. ફ્રાન્સ વતી આ મેચમાં કિલિયન એમબાપેએ હેટ્રિક ફટકારી હતી જ્યારે મેસ્સીએ બે ગોલ કર્યા હતા. પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટીનાએ આ વર્લ્ડકપ જીત્યો અને પોતાના 36 વર્ષના દુષ્કાળનો અંત આણ્યો હતો.