ખાસ-ખબર સંવાદદાતા
રશિયા અને યૂક્રેનના યુદ્ધને દોઢ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. બંને દેશો વચ્ચે યુદ્ધ ખતમ થવાના કોઈ અણસાર જોવા મળી રહ્યા નથી. અગાઉ બંને દેશો માત્ર જમીન પર યુદ્ધ કરતા હતા, જોકે હવે સમુદ્રમાં પણ યુદ્ધ શરૂૂ થઈ ગયું છે. દરમિયાન મળતા અહેવાલો મુજબ યુક્રેને આજે રશિયા પર મોટી કાર્યવાહી કરી છે, તો રશિયાએ પણ વળતો જવાબ આપ્યો છે. આ હુમલામાં બંને દેશોના કુલ 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
યૂક્રેને એક પછી એક 10 મિસાઈલો છોડી ક્રિમીયાના સૌથી મોટા શહેર અને કાલા સાગરનું મુખ્ય બંદર સેવસ્તોપોલને ભારે નુકસાન પહોંચાડ્યું છે. રશિયાના ગર્નર મિખાઈલ રજ્વોઝાયેવએ કહ્યું કે, હુમલામાં ઓછામાં ઓછા 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે. રશિયાએ કહ્યું કે, હુમલાના કારણે સેવસ્તોપોલ શિપયાર્ડમાં ભીષણ આગ લાગી ગઈ હતી.
રશિયાએ કહ્યું કે, યૂક્રેને ક્રીમિયામાં કાલા સાગર પાસેના બંદરો પર 10 મિસાઈલો અને 3 માનવ રહિત બોટો લોન્ચ કરી છે. જ્યારે રશિયાના સંરક્ષણ મંત્રાલયે 7 મિસાઈલો તોડી પાડવાનો અને તમામ માનવ રહિત બોટોનો પણ ખાતમો કર્યો હોવાનો દાવો કર્યો છે. જોકે હજુ સુધી યુક્રેન તરફથી આ મામલે કોઈ નિવેદન સામે આવ્યું નથી.
બીજીતરફ રશિયાના ડ્રોને ડેન્યૂબ નદી પર ઈજમેલના યૂક્રેનના અનાજ બંદરોને કથિર રીતે નુકસાન પહોંચાડ્યું છે. મીડિયા અહેવાલો મુજબ યૂક્રેનના ઓડેસાના ગર્વનર ઓલેહ કિપરે કહ્યું કે, રશિયાના હુમલામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમજ આગ લાગવાની ઘટના બની છે. ઉપરતાં ઘણું નુકસાન પણ થયું છે. કિપરે કહ્યું કે, અસંખ્ય ડ્રોનોને ઈજમેલ જિલ્લામાં લોન્ચ કરવામાં આવ્યું હતું.