ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
રાજકોટના બ્રહ્માણી હોલની પાછળ, કોઠારીયા રોડ ઉપર રહેતાં વેપારી ભાવેશ ગોરધનભાઈ સરધારાએ ધવલ રતિભાઈ તાળા નામના વેપારીને રૂા. 10 લાખ હાથ ઉછીના આપેલા અને તે અંગેનું એક લખાણ રૂા. 100ના સ્ટેમ્પ પેપર ઉપર પક્ષકારો વચ્ચે કરવામાં આવેલા અને આરોપીએ ફરિયાદીની લેણી રકમ પરત કરવાના હેતુથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો રૂા. 10 લાખનો પતિ-પત્નીના સંયુક્ત ખાતાનો ચેક આપેલો અને ત્યારબાદ લોકડાઉન હોવાથી ફરિયાદીએ તા. 5-8-2020ના રોજ આ ચેક બેંકમાં જમા કરાવતા ‘ફંડ ઈનસફીસીયન્ટ’ના શેરા સાથે ચેક પરત ફરેલો તેથી ફરિયાદી વેપારીએ આરોપી વિરુદ્ધ રાજકોટની ફોજદારી કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કરેલી હતી.
જે ફરિયાદના કામે બચાવપક્ષ દ્વારા લીમીટેશન તેમજ પ્રોમીશરની નોટીની વિગતો અંગે ઘણી તકરારો લેવામાં આવેલી હતી પરંતુ ફરિયાદ પક્ષે રજૂ રાખેલી ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ તેમજ મૌખિક દલીલોના આધારે ફરિયાદીનો કેસ પુરવાર માની આ કામના આરોપી ધવલભાઈ રતિભાઈ તાળા, રહે. જલારામ-4, 150 ફૂટ રીંગ રોડવાળાને એમ. એમ. શુક્લાએ બે વર્ષની સાદી કેદની સજા તેમજ રૂા. 12,50,000 દંડ પેટે જમા કરાવવા તેમજ દંડ પેટે જમા કરાવેલ રકમમાંથી 6 ટકા વ્યાજ સહિત રૂા. 10 લાખ વળતર તરીકે ચૂકવી આપવા હુકમ ફરમાવેલ છે. આ કામે ફરિયાદી તરફે વકીલ કેતન એન. સિંધવા તથા પંકજ આર. દોંગા રોકાયેલા છે.