ખાસ-ખબર સંવાદદાતા
ઉજ્જૈનના ચમત્કારી બાબાના નામે છેતરપિંડી કરનાર 2 શખ્સોને એલસીબીએ ઝડપી લીધા છે. તેમની પાસેથી 4,91,000નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ કરતા 17 ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ અંગે મળતી વિગત મુજબ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજણભાઇ લખમણભાઇ હૂણે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે, ધોરાજીથી ખામધ્રોળ ચોકડી પાસે વાતચીતમાં પરોવી કારમાં નિર્વસ્ત્ર બેઠેલા વ્યક્તિ ઉજૈનના ચમત્કારિક બાબા હોવાનું કહી દર્શન કરવા બોલાવ્યા હતા. બાદમાં બાબાએ ફરિયાદીની સોનાની વિંટી અને ચેનને મંત્રોથી પવિત્ર અને ચમત્કારી બનાવવાનું કહી વિંટી, ચેઇન મળી કુલ 63,000નો મુદ્દામાલ લઇ કાર ભગાવી નાસી છૂટ્યા હતા. આ ફરિયાદનાં પગલે એસપી રવિ તેજા વાસમસેટ્ટીની સુચનાથી એલસીબી પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
તપાસમાં કારના નંબર પરથી આ વાહન સપનાબેન નરસીભાઇ મદારી(દહેગામ) વાળાની હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં આ બનાવમાં મદારી ગેન્ગના ઇસમો હોવાની જાણ થતા તપાસ તેજ કરાઇ હતી. દરમિયાન જીજે 06 એચડી 0330 અને જીજે 01 કેજી 7584 નંબરની કાર જૂનાગઢ તરફ આવતી હોવાની બાતમી મળી હતી. બાદમાં જૂનાગઢ -વેરાવળ બાયપાસ આગળ ધોરાજી ચોકડી પાસેથી પસાર થતી બન્ને કારને રોકાવી બન્ને આરોપી નરસીનાથ ઉર્ફે અચિયો સમજુનાથ ભાટી અને અમરનાથ નટવરનાથ પઢિયાર (બન્ને રહે. ગણેશપુરા, દહેગામ) વાળાને ઝડપી લીધા હતા.તેમની પાસેથી રોકડ, મોબાઇલ ફોન, 2 કાર મળી કુલ 4,91,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ક્રાઇમ બ્રાંચે લાવી પૂછપરછ કરતા ગુનો આચર્યાની કબુલાત કરી હતી. દરમિયાન વધુ પૂછપરછમાં કુલ 17 ગુનાનો ભેદઉકેલાયો છે. હાલ બન્ને આરોપીને તાલુકા પોલીસ હવાલે કરાયા છે.