એસટી બસ, ટેન્કર અને ઈકો કાર વચ્ચે સર્જાયો અકસ્માત
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના કવાડિયા ગામના પાટીયા નજીક ગત મોડી રાત્રે એસટી બસ, ટેન્કર અને ઈકો કાર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વૃદ્ધનું મોત થયું હતું જ્યારે 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોય તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હળવદ તેમજ ધાંગધ્રા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કવાડીયા ગામના પાટીયા નજીક એક ટ્રેલર પલટી મારી ગયું હોય જેથી રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો જેના કારણે ગઈ કાલે રાત્રિના અઢી વાગ્યાની આસપાસ સુરતથી મુન્દ્રા જતી સ્લીપર કોચ એસટી બસ, એક ટેન્કર તેમજ ઈકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
- Advertisement -
આ અકસ્માતમાં રજીયાબેન અલારખાભાઈ (ઉં.વ. 30), રસિકભાઈ રાજાભાઈ પટેલ (ઉં.વ. 45), નરેન્દ્રભાઈ પટેલ (ઉં.વ. 65), લલ્લારામ કુબારામ ચૌધરી (ઉં.વ. 32), અમીનાબેન મોહમ્મદભાઈ જામ (ઉં.વ. 70), નજમાબેન રફિકભાઈ (ઉં.વ. 26), ચંદ્રેશભાઇ મગનભાઈ ચૌહાણ (ઉં.વ. 29) સહિત 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે સેજુમલ મુલચંદ જાંગીયાણી (ઉં.વ. 65, રહે. જામનગર) નું મૃત્યુ થયું હતું. આ બનાવની જાણ થતા ધાંગધ્રા તેમજ હળવદની 108 ની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તેની સાથે સાથે ચુલી ટોલનાકા પરથી પણ એમ્બ્યુલન્સ સાથે કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને હળવદ તેમજ ધાંગધ્રા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જોકે ગંભીર ઈજા થયેલ લોકોને સારવાર માટે મોરબી તેમજ સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા.