ખાસ-ખબર ન્યૂઝ જામનગર
જામનગર-ખંભાળિયા હાઈવે પર પડાણા પાટીયા પાસે મોડી સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પડાણાથી જામનગર તરફ આવી રહેલી કેરિયર રીક્ષા, એક કાર અને ટ્રક વચ્ચે થયેલા ત્રિપલ અકસ્માતમાં રીક્ષામાં સવાર બે યુવાનોના કરુણ મોત નિપજ્યા છે.
- Advertisement -
મૃતક યુવાનોની ઓળખ સોહિલ વલીભાઈ શેખ (ઉંમર 30) અને હાજી કાસમભાઈ (ઉંમર 27) તરીકે થઈ છે. બંને યુવાનો જામનગરના પટણીવાડ વિસ્તારના રહેવાસી હતા. તેઓ જી.જે.10 ટી.ઝેડ. 1889 નંબરની કેરિયર રીક્ષામાં માલસામાન લઈને સાંજે 7:15 વાગ્યે પડાણાથી પરત ફરી રહ્યા હતા, ત્યારે જી.જે.10 ટી.વાય. 6695 નંબરના ટ્રક અને જી.જે.3 એમ.બી. 4004 નંબરની કાર સાથે ભીષણ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ભયાનકતા એટલી હતી કે રીક્ષાનું પડીકું વળી ગયું હતું. બંને ઘાયલ યુવાનોને 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજી, જેમના નિકટના સગા મૃતક યુવાનો હતા, તેમજ પટણી સમાજના અન્ય લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મેઘપર-પડાણા પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.