ખાદ્યપદાર્થો, શાકભાજી, ફળ-ફળાદી વધુ મોંઘા બનશે : ડીઝલનો ભાવ ૠજઝ હેઠળ લાવવા માગણી
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા ત્રણ માસથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યાં છે. જેના કારણે દિવસે દિવસે મોંઘવારી માથું ઊંચકી રહી છે.
રાજકોટમાં ડીઝલનો ભાવ રૂપિયા 97 સુધી પહોંચ્યો છે. ત્યારે હવે શહેરના 700 જેટલા ટ્રાન્સપોર્ટરોએ પોતાના ભાડામાં 15થી 20 ટકાનો વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી સામાન્ય પ્રજાની કમર તૂટી ગઈ છે. હવે ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં 15થી 20 ટકા જેટલો ધરખમ વધારો થતા પ્રજાને વધુ મોંઘવારીનો માર સહન કરવો પડશે. ભાડામાં ભાવ વધારાને કારણે ખાદ્યપદાર્થો, શાકભાજી, ફળ-ફળાદી વધુ મોંઘા બનશે.
કોરોનાની બીજી લહેર બાદ સતત અઢી માસ કરતા વધારે સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં કમ્મરતોડ વધારો થયો છે. જેના કારણે પરિવહન અને ટ્રાન્સપોર્ટેશન વ્યવસાય સાથે જોડાયેલા ધંધાર્થીઓની હાલત કફોડી બની રહી છે. પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવ વધારાના કારણે રાજકોટ શહેરમાં આવેલા 700 જેટલા ટ્રાન્સપોર્ટરોએ તેમના ભાડામાં 15થી 20 ટકાનો વધારો કર્યો છે. જેના કારણે હવે ખાદ્યપદાર્થો, શાકભાજી, ફળ-ફળાદી વધુ મોંઘા બને તો નવાઇ નહિ.
રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ હસુભાઇએ જણાવ્યું હતું કે, શહેરમાં ડીઝલનો ભાવ રૂપિયા 97એ પહોંચ્યો છે.
- Advertisement -
કોરોનાની બીજી લહેર બાદ સતત વધી રહેલા ડીઝલના ભાવથી વ્યવસાય કરવો મુશ્કેલ બની ગયો છે. ડીઝલના વધતા ભાવથી નાછૂટકે અમારે ભાવ વધારો કરવો પડે છે. ડીઝલના ભાવ વધતા અટકાવવા માટે કેન્દ્ર સરકાર તેનો સમાવેશ જીએસટી હેઠળ લાવવામાં આવે. જો ડીઝલનો ભાવ જીએસટી હેઠળ લાવવામાં આવે તો ડીઝલના ભાવમાં 1 લીટરે 28 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે તેમ છે.


