20 ઓગસ્ટ સુધીમાં સીસીડીસી ખાતે ફોર્મ, પાસપોર્ટ સાઈઝના ફોટા અને આઈડી સાથે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર (સીસીડીસી) દ્વારા તા. 22 ઓગસ્ટથી સિનિયર સબ એડીટર વર્ગ-3 કુલ-7 અને માહિતી મદદનીશ વર્ગ-3ની કુલ 41 જગ્યાઓ એમ કુલ 48 જગ્યાઓ માટેના પ્રાથમિક પરીક્ષા માટેનાં કોચીંગ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે.
સીસીડીસી મારફત જુદી-જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની સચોટ તાલીમ અને તજજ્ઞ નિષ્ણાંતોના માધ્યમથી કરવામાં આવે છે. જેના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારના અનેક છાત્રોને સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન સાકાર થયેલ છે. આ તાલીમવર્ગમાં પ્રાથમિક પરીક્ષાની વિવિધ જગ્યાઓ માટેના અભ્યાસક્રમમાં જનરલ સ્ટડીઝના સિલેકટેડ વિષયો જેવા કે, ભારતનું બંધારણ, ઈતિહાસ, ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, મેથેમેટીકસ અને રીઝનીંગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જાહેર વહીવટ વગેરેની સઘન તાલીમ આપવામાં આવનાર છે. ઉપરોક્ત તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ તા. 20 ઓગસ્ટ સુધીમાં ગ્રાઉન્ડ ફલોર, સી.સી.ડી.સી. બિલ્ડીંગ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ ટોકન શુલ્ક સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા, સિનિયર સબ એડીટર વર્ગ-3 અને માહિતી મદદનીશ વર્ગ-3 ઓનલાઈન ભરેલ એપ્લિકેશન ફોર્મની ઝેરોક્ષ, આઈ.ડી.પ્રુફ અને લીવીંગ સર્ટીફિકેટ સાથે લાવવાનું રહેશે. સી. સી.ડી.સી. મારફત અનેક સફળતાપૂર્વક કાર્યક્રમ અને તેના ફળ સ્વરૂપ દરેક પરીક્ષામાં છાત્રો મારફત ઝળહળતી સફળતા મેળવી સી.સી.ડી.સી.ના તાલીમવર્ગોને અને કાર્યશાળાઓના આયોજનને બિરદાવેલ છે. હાલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા માહિતી અને પ્રસારણ વિભાગના નિયંત્રણ હેઠળના માહિતી નિયામકની કચેરી હસ્તકના સિનિયર સબ એડીટર વર્ગ-3 સંવર્ગની કુલ-07 અને માહિતી મદદનીશ વર્ગ-3 સંવર્ગની કુલ-41 જગ્યાઓ એમ કુલ-48 જગ્યાઓ માટેની ભરતી કરવામાં આવનાર છે.