વરસાદ થતાં ઇલેટ્રિક્ટ પેનલ બોર્ડમાં શોર્ટસર્કિટના કારણે દુર્ઘટના સર્જાઈ હતી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.2
વેરાવળ તાલુકાના સિડોકર ગામે રબારી સમાજના આસ્થાના કેન્દ્ર સમા મોમાઈ માતાજીના મઢ ખાતે પુંજ ઉત્સવ પ્રસંગે દુ:ખદ ઘટના બની હતી. નવરાત્રિની આઠમ અને નોમના પાવન પ્રસંગે યોજાયેલા પુંજ ઉત્સવમાં ગઈ કાલે વહેલી સવારે કરુણાંતિકા સર્જાતાં ઉત્સવની રોનક ગમગીન બની ગઈ હતી.
- Advertisement -
બનાવ અંગેની પ્રાથમિક વિગતો મુજબ, સવારે સાડાચાર વાગ્યે વરસાદ વરસી રહ્યો હતો. એ સમયે ત્રણ ભક્તો ચા ના સ્ટોલ પાસે ઊભા હતા અને વરસાદથી બચવા ઈલેક્ટ્રિક પેનલ બોર્ડ નજીક ગયા હતા. અચાનક શોર્ટસર્કિટ થતાં ત્રણેયને વીજકરંટ લાગ્યો હતો. જેમાં તાલાલાના 18 વર્ષિય ભરત નારણભાઇ ગલચર, રોણાજ ના 13 વર્ષિય હર્ષલ ભરતભાઇ ચૌહાણ, અને વડોદરા ઝાલા ના 45 વર્ષનાં કરશન ગોવિંદ મારુનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બાદમાં ત્રણેયના મૃતદેહોને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.