ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ; પક્ષીઓના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહોને પીએમ માટે મોકલાયા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
શિયાળો શરૂ થતા જ મોરબી જિલ્લામાં વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે, ત્યારે મોરબી તાલુકાના ચાંચાપર ગામના સીમ વિસ્તારમાં એક કરુણાંતિકા સર્જાઈ છે. ચાંચાપર સીમમાંથી એકસાથે 20થી વધુ કુંજ પક્ષીઓના મૃતદેહ મળી આવતાં પક્ષીપ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ગામના લોકોને આ બનાવની જાણ થતાં તાત્કાલિક સરપંચના પતિ રમેશભાઈ ભીમાણી તથા ગામના અન્ય આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. પક્ષીઓના આટલી મોટી સંખ્યામાં મૃત્યુનું કારણ જાણી શકાયું નહોતું.
આ બનાવની ગંભીરતા જોતાં તાત્કાલિક ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક પક્ષીઓના મૃતદેહનો કબજો લીધો હતો.
અધિકારીઓ દ્વારા મૃતદેહોને પીએમ (પોસ્ટમોર્ટમ) માટે મોકલી આપવામાં આવ્યા છે. પીએમ રિપોર્ટ બાદ જ આ કુંજ પક્ષીઓના મોતનું ચોક્કસ અને સાચું કારણ જાણી શકાશે. વન વિભાગે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પક્ષીઓના સંરક્ષણ માટે વધુ તકેદારી રાખવા જણાવ્યું છે.



