-પ્રથમ વખત 100 કરોડથી વધુના ટ્રાફિક ચલણ ઈસ્યુ થયા; દરરોજ રૂા.38 લાખના 4400 મેમો ફટકારાયા
રાજકોટ સહિત ગુજરાતમાં વાહન ચાલકોને ફટકારાતા આડેધડ મેમો વિશે વખતો વખત ઉહાપોહ થાય છે ત્યારે રાજયમાં 2023 માં ટ્રાફીક મેમોની રકમ 100 કરોડને પાર થઈ ગઈ હતી. ગુજરાતમાં ગત કેલેન્ડર વર્ષમાં ટ્રાફીક ચલણ મારફત 139 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો જે 2021 માં 98 કરોડ તથા 2022 માં 92 કરોડ હતો.વાર્ષિક ધોરણે ટ્રાફીક ચલણમાં 51 ટકાનો વધારો થયો છે. ટ્રાફીક દંડમાં વૃધ્ધિની દ્રષ્ટિએ ગુજરાત દેશભરમાં ત્રીજા ક્રમે છે.
- Advertisement -
સૌથી વધુ 269 કરોડના ટ્રાફીક ચલણ દંડ તામીલનાડુમાં ઈસ્યુ થયા હતા. જયાં 2022 માં 135 કરોડનો ટ્રાફીક દંડ ફટકારાયો હતો. તેની સરખામણીએ 99 ટકાનો વધારો હતો. બીજા ક્રમે પશ્ર્ચિમ બંગાળમાં 181 કરોડના ટ્રાફીક ચલણ ફટકારાયા હતા. તે આંકડો 2022 માં 97 કરોડ હતો તેની સરખામણીએ 87 ટકાની વૃધ્ધિ હતી 55 ટકાના વધારા સાથે ગુજરાતનો ત્રીજો નંબર છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા ટ્રાફીક ચલણના આંકડા લોકસભામાં રજુ કરવામાં આવ્યા હતા. ગજાનન કિર્તિકરના સવાલના જવાબમાં પરિવહન મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 2023 ના વર્ષમાં ટ્રાફીક નિયમોનાં ભંગ બદલ કુલ 15.99 ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા હતા અને તેમાં દંડની રકમ 129 કરોડ થવા જાય છે.
આ ગણતરીએ દરરોજ 38 લાખનો ટ્રાફીક દંડ ફટકારાતાં 4400 ચલણ ઈસ્યુ થયા હતા. પ્રતિ ચલણ દંડની રકમ સરેરાશ રૂા.860 થાય છે. ચાલુ વર્ષમાં 29 જાન્યુઆરીની સ્થિતિએ ગુજરાતમાં 1.28 લાખ ચલણમાં 10.50 કરોડના દંડ મેમો ફટકારવામાં આવ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા તથા રાજકોટ જેવા મહાનગરોમાં જ સૌથી વધુ ટ્રાફીક દંડ ચલણ ફટકારાય છે.
- Advertisement -
ગુજરાત હાઈકોર્ટમાં ગત ડીસેમ્બરમાં ટ્રાફીક ચલણનો મુદો ઉપસ્થિત થયો હતો. તેમાં પોલીસે એમ કહ્યું હતું કે અમદાવાદમાં ગત વર્ષે 4.92 લાખ ટ્રાફીક ચલણ ઈસ્યુ થયા હતા તેમાં રૂા.24 લાખ સીસીટીવી કેમેરા આધારીત હતા અને 1.68 લાખ સ્થળ પર અપાયા હતા. 7400 કેસ દાખલ કરીને દંડ પેટે રૂા.4.76 કરોડ રિકવર કરવામાં આવ્યા હતા.
અમદાવાદ ટ્રાફીક સલાહકાર સમિતિનાં સભ્ય ડો.પ્રવિણ કાનાબારે કહ્યું હતું કે ટ્રાફીક ચલણની વધતી સંખ્યા પોલીસ તંત્ર વધુ અસરકારક કામગીરી કરીને નિયમ પાલન કરાવવાના ગંભીર પ્રયત્નો કરતી હોવાનું સુચવાય છે. પરંતુ માત્ર દંડ ઉઘરાવીને ટ્રાફીક સમસ્યાનું નિવારણ તે એકમાત્ર ઉપાય નથી.