ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.9
મોરબી શહેરમાં છેલ્લા બે દિવસથી જનતાનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. સમગ્ર શહેરમાં રોડ-રસ્તા પર ગારા, કીચડ અને ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે, જેના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગઈકાલે શહેરની નામાંકિત સોસાયટીના રહીશોએ રોડ બ્લોક કરીને આંદોલન કર્યું હતું, ત્યારે આજે લાતી પ્લોટ વિસ્તારના વેપારીઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
ઔદ્યોગિક વિસ્તાર ગણાતા લાતી પ્લોટમાં વર્ષોથી રોડ-રસ્તા બન્યા નથી, જેના કારણે વેપારીઓ અને મજૂર વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં વારંવાર રજૂઆતો કરવા છતાં ભાજપ દ્વારા માત્ર “લલીપોપ” જ આપવામાં આવી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
- Advertisement -
સ્થાનિકોનો રોષ એ હદે છે કે તેઓ રાજકીય નેતાઓ સામે પણ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે બ્રિજેશ મેરજા મંત્રી બન્યા હતા ત્યારે પણ રજૂઆતો કરાઈ હતી, અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. મહાનગરપાલિકાને પણ વારંવાર રજૂઆતો અને ઉગ્ર આંદોલનની ચીમકીઓ આપવામાં આવી હોવા છતાં પરિણામ શૂન્ય મળ્યું છે.
આજે પરિણામ શૂન્ય મળતા લાતી પ્લોટ વિસ્તારના વેપારીઓ અને મજૂર વર્ગ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યું હતું. આના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.