રાજકોટ પોલીસ કસ્ટડીમાં સગીરના વાળ ખેંચતો વિડીયો વાઈરલ થયો હતો, પંચે બે સપ્તાહમાં અહેવાલ માગ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક સગીર સાથે એક વ્યકિત દ્વારા અમાનવીય કૃત્ય કરાતું હોવાનો વીડિયો વાઈરલ થયા બાદ માનવ અધિકાર પંચ દ્વારા આ ઘટનાની નોંધ લેવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાને નોટિસ આપી આ મામલે બે અઠવાડિયામાં વિગતવાર રિપોર્ટ સોંપવા આદેશ કરાયો છે. નોંધનીય છે કે, મારામારીના એક કેસમાં સામેલ સગીર આરોપીને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રાખી એક વ્યકિત માથાના વાળ ખેંચી કાઢ્યા હતા. જેનો વીડિયો એક પોલીસકર્મી દ્વારા જ બનાવવામાં આવ્યો હતો. જે વાઈરલ થયા બાદ આ મામલે વાળ ખેંચનાર અને વીડિયો બનાવનાર બંને સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
- Advertisement -
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ઓગસ્ટ મહિનામાં થયેલ મારામારીની ઘટનામાં આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દરમિયાન આરોપીઓ પૈકી એક 17 વર્ષીય સગીર આરોપીનું માથું પકડી વાળ ખેંચીને તેની સાથે અમાનુષી અત્યાચાર કર્યાનો વીડિયો વાયરલ થતા સગીર આરોપીના દાદી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.31.08.2025ના રોજ રાત્રીના આશરે 10 વાગ્યે રૈયા રોડ પર કનૈયા ચોક પાસે મારા પૌત્ર તથા તેના અન્ય ચાર પાંચ મિત્રોને કોઈ સાથે ઝઘડો થયો હતો, જેમાં તે છોકરાને છરી વાગી હતી. આ બનાવ બાદ મારો પૌત્ર તે દિવસે રાત્રીના સમયે મારા ઘરે હતો ત્યારે રાત્રીના આશરે 12.30 વાગ્યે પોલીસ મારા ઘરે તપાસમાં આવી હતી અને મારા પૌત્રની પુછપરછ કરી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે લઇ ગઈ હતી.
બાદમાં બનાવ બાબતે થયેલ ફરિયાદમાં મારા પૌત્ર તથા તેના અન્ય મિત્રો વિરૂધ્ધમાં પોલીસે કાર્યવાહી કરી કોર્ટમાં રજુ કર્યા હતા. આ પછી મારો પૌત્ર તથા તેની સાથેના અન્ય છોકરાઓ ગોંડલ રોડ પર આવેલ સ્પેશિયલ હોમ ફોર બોયઝ ખાતે હતા, જ્યાં મારો પૌત્ર બે સપ્તાહ રહ્યો હતો અને પછી તેના જામીન મંજુર થતા તે છૂટી ગયો હતો.
અમારા વિસ્તારમાં રહેતા અન્ય બાળકોએ મને તેના મોબાઇલમાં એક વીડિયો બતાવ્યો હતો, જેમાં એક અજાણ્યો વ્યક્તિ મારા પૌત્રને કોઈ રૂમમાં નીચે બેસાડી માથાના વાળી પકડીને માથાના વાળ ખેંચી બાજુમાં પડેલ કચરા પેટીમાં નાખતો હતો અને મારો પૌત્ર આજીજી કરતો હોવાનો અવાજ પણ સંભળાતો હતો છતા તે અજાણ્યો વ્યક્તિ મારા પૌત્રના માથામાંથી ચાર પાંચ વખત વાળ ખેંચતો દેખાતો હતો. આ વીડિયો મારા પૌત્રને જ્યારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન લઇ ગયા હતા ત્યારનો હોવાનું જાણવા મળ્યું હતું.
શૈલેષ નામનો વ્યક્તિ અને પોલીસકર્મી પ્રદીપ ડાંગર સામે ગુનો નોંધાયો હતો
સગીર આરોપીના દાદી દ્વારા આ મામલે વાળ ખેંચી રહેલા શૈલેષ નામના વ્યકિત અને પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગર સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પ્રદીપ ડાંગરની હેડ ક્વાર્ટરમાં બદલી કરી સસ્પેન્ડ કરાયો હતો.
- Advertisement -