ગુજરાતમાં કોવિડકાળ દરમિયાન લાખો લોકોને નાણાકીય, શારીરિક અને માનસિક સહિતના અનેક તનાવોએ બે વર્ષ સુધી અને 2020 તેમજ 2021માં ગુજરાતમાં કોરોનાની પ્રથમ બે લહેરમાં ધંધા-વેપાર અને રોજગારીને પણ મોટી અસર થઇ હતી અને ત્યારબાદ જે લોંગ કોવિડની સ્થિતિ જોવા મળે છે તેને કારણે ગુજરાતનાં 2021માં આત્મહત્યાના સૌથી ઉંચો દર નોંધાયો અને આ પરિસ્થિતિ હજુ ચાલુ જ હોવાના સંકેત છે. કોવિડ કાળ દરમિયાન પ્રથમ વર્ષ એટલે કે 2020માં ગુજરાતમાં 8050 લોકોએ અને 2021માં 8789 લોકોએ આત્મહત્યા કરી હતી જે અગાઉના 10 વર્ષમાં સરેરાશ 7 થી 8 હજાર લોકોની આત્મહત્યા કરતાં વધુ ઉંચો દર નોંધાયો છે. 2021માં રાજ્યમાં આત્મહત્યાનો દર દર એક લાખ લોકોએ 12.5નો નોંધાયો છે.
2021માં કુલ 8789 લોકોએ જીવન ટૂંકાવ્યા : 71 ટકાની વાર્ષિક આવક રૂા. એક લાખથી ઓછી હતી : આખરી પગલુ લેવામાં પરિણીત લોકોની સંખ્યા સૌથી વધુ : 20 ટકા ગૃહિણીઓએ અચાનક જ આવેશમાં આત્મહત્યા કરી
- Advertisement -
જે અગાઉના 10 વર્ષમાં સરેરાશ આત્મહત્યાનો દર પ્રતિ લાખ 11.5 હતો. એક્સીડેન્ટલ ડેથ એન્ડ સુસાઈડ ઇન ઇન્ડીયા અંગેના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યરોનાં રિપોર્ટમાં જણાવાયું છે કે એક તરફ સુરત કે જે ગુજરાતનું ઔદ્યોગીક પાટનગર ગણવામાં આવે છે સુસાઈડ કેપીટલ બની ગયું છે પરંતુ ગુજરાતના જે ચાર સૌથી મોટા શહેરો છે તેમાં રાજકોટ એ સૌથી વધુ આત્મહત્યા દર ધરાવે છે. વર્લ્ડ સુસ્યાઇડ પ્રિવેન્શન ડે આજે મનાવાય રહ્યો છે તે સમયે ક્રિએટીવ હોપ થ્રુ એકશન દ્વારા પણ લોકોને આત્મહત્યાથી દૂર રહેવા માટે વધુને વધુ માનસિક ટેકો મળે તેની જરુરિયાત દર્શાવવામાં આવી હતી. ગુજરાતમાં આત્મહત્યાનો જે દર છે તેમાં પણ આત્મહત્યા કરવાના કારણોમાં કૌટુંબીક વિવાદો સૌથી મોટી ભુમિકા ભજવે છે. રાજ્યમાં 2021માં કુલ આત્મહત્યા જે નોંધાઈ
તેમાં 2465 આત્મહત્યા કૌટુંબીક કારણોસર થઇ હતી જ્યારે બીજો નંબર અજાણ્યા કારણોસર આત્મહત્યા કરવાનો નોંધાયો છે.જેમાં 1926 લોકોએ પોતાના જીવન ટુંકાવ્યા હતા પરંતુ માનસ શાસ્ત્રના નિષ્ણાંતો માને છે કે કારણો વગર આત્મહત્યામાં મોટાભાગે કૌટુંબીક કે નાણાકીય સ્થિતિ વધુ મહત્વની હોય છે આ ઉપરાંત બિમારીથી કંટાળીને 1785 લોકોએ 2021માં આત્મહત્યા કરી હતી. પ્રેમ પ્રકરણમાં નિષ્ફળ જવાને કારણે 635 લોકો, લગ્ન નહીં થવાને કારણે 392 લોકો, બેરોજગારીને કારણે 293, કામકાજ સંબંધી વિવાદને કારણે 220, નાણાકીય રીતે તંગી કે દેવામાં ફસાઈ જવાને કારણે 158 લોકોએ તથા કોઇ માદક દ્રવ્યના શિકારી બની ગયા હોય 127 લોકોએ આત્મહત્યા કરી હતી.
જ્યારે સૌથી ચિંતાજનક પરીક્ષામાં નિષ્ફળ જવાના કારણે દર વર્ષે 135 ટીનેજર્સે જીવન ટૂંકાવ્યા હતા. રાજ્યમાં સામુહિક આત્મહત્યાના 8 કેસ નોંધાયા છે જેમાં કુલ 23 લોકોએ પોતાની જિંદગીને અલવિદા કહી હતી જે દેશમાં છઠ્ઠા નંબરે સૌથી મોટી સંખ્યા છે. જ્યારે આત્મહત્યા કરવામાં વ્યંઢળ સમુદાયમાં પણ 2021માં સૌથી વધુ 14 લોકોએ આત્મહત્યા કરી હતી. બીજી ચિંતા એ છે કે ગુજરાતમાં આત્મહત્યા કરનારાઓમાં 36.4 ટકા એટલે કે 3206 લોકો એ દૈનિક મજુરી કરનારા હતા મતલબ કે તેઓમાં મોટાભાગના ગરીબ અને અત્યંત નીચા વર્ગના હતા. આત્મહત્યામાં 20.7 ટકા એટલે 1820 મહિલાઓએ પોતાના જીવનનો અંત આણ્યો હતો. જ્યારે પ્રોફેશનલમાં 125 લોકોએ અને ગ્રેજ્યુએટથી વધુ ઉચ્ચ ડીગ્રી ધરદાવનારાઓમાં 500થી વધુ લોકો સામેલ છે જેઓએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરવામાં અન્ય કારણો ગમે તે હોય પરંતુ મુખ્યત્વે ગરીબ વર્ગમાં એટલે કે જેની વાર્ષિક આવક રૂા. 1 લાખથી ઓછી હોય તેવા 6282 લોકોએ આત્મહત્યા કરી.