પાકિસ્તાન એક બાજુ આર્થિક બેહાલી અને ભૂખમરામાં ધકેલાઈ રહ્યું છે તે વખતે પણ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તંગડી ઉંચી રાખતા કહ્યું કે ઘરમાં દાણો ન હોય તો પણ ચાલશે પણ તે માટે કાશ્મીર મુદે સમાધાન નહી કરીએ. હાલમાં જ ભારતને મદદ માટે કઈ રીતે કહેવું અમને તો શરમ આવે છે
તેવા વિધાન કરનાર શાહબાઝ શરીફે તા.5 ફેબ્રુ.ના કાશ્મીર એકતા દિવસ મનાવવાની અપીલ કરી છે. શાહબાઝ શરીફ સરકારને તેના તમામ સેવાઓના દરો વધારવાની ફરજ પડી રહી છે. પેટ્રોલ-ડિઝલના ભાવ રૂા.250થી વધુના સ્તરે છે અને વીજળીનો પ્રતિ યુનિટ ભાવ રૂા.126 થયો છે પણ છતા પણ ભારત સાથે લડવાની સેખી મારે છે. સ્થાનિક મીડીયા રિપોર્ટ મુજબ પાકિસ્તાન કાશ્મીર એકતા દિવસ મનાવશે અને તે રીતે તેના ગેરકાનુની કબ્જાના કાશ્મીરને પોતાનો પ્રદેશ ગણાવવાની ચેષ્ટા કરશે. આર્થિક રીતે બરબાદ થઈ ગયેલા પાકિસ્તાન હજુ પણ ભારત સામે તેના દુષ્પ્રચાર માટે જંગી ભંડોળ ફાળવી રહ્યું છે.
- Advertisement -
સ્થાનિક મિડીયાના રીપોર્ટ મુજબ પાકિસ્તાન સરકારે આવતીકાલે કાશ્મીર એકતા દિવસ મનાવવા માટે ઠેરઠેર હોર્ડીંગ્સ મુકયા છે અને કાશ્મીર પાકિસ્તાનનું હોવાનો દાવો કરે છે.પરંતુ બીજી બાજુ પાક.કબ્જામાં કાશ્મીરમાં પાકિસ્તાની સરકાર સામે જ જબરો વિરોધ છે અને આવતીકાલે પાકિસ્તાન સામે અનેક મોરચાઓ પાક કબ્જાના કાશ્મીરમાં નીકળશે અને તેને રોકવા માટે પણ સુરક્ષા દળોને જણાવાયું છે.