અમેરિકન ડ્રીમ: ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
ચીની રોકાણકારોની સંખ્યા એટલી વધી ગઈ કે એમને બે વર્ષના કન્ડિશનલ ગ્રીનકાર્ડ મળે એની પણ રાહ જોવાનો સમય આવ્યો, ભારતીયોને પહેલાં આ પ્રોગ્રામની જાણ જ નહોતી
- Advertisement -
વર્ષ 1990માં ‘ઈબી-5’ એટલે કે ‘એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ફિફ્થ પ્રેફરન્સ બેઝિક કેટેગરી’ અને ત્યાર બાદ વર્ષ 1992માં ‘એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ફિફ્થ પ્રેફરન્સ પાઈલોટ કેટેગરી’નો ઉમેરો કરવામાં આવ્યો ત્યારે ચીનાઓએ ઈબી-5 કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડ મેળવવા માટે રિજનલ સેન્ટરોમાં ફટાફટ રોકાણ કરવા માંડ્યું હતું. અનેકોએ જાતે પણ બિઝનેસ કરવાનું જોખમ ખેડ્યું હતું અને ‘ઈબી-5 બેઝિક પ્રોગ્રામ’ એટલે કે ‘સ્ટેન્ડઅલોન કેટેગરી’માં પણ રોકાણ કર્યું હતું. ચીની રોકાણકારોની સંખ્યા એટલી બધી વધી ગઈ કે એમને વાર્ષિક ક્વોટાનાં બંધનોના કારણસર ઈબી-5 પ્રોગ્રામ હેઠળ અધધધ મોટી રકમનું ઈન્વેસ્ટમેન્ટ કર્યા પછી પણ દસ યા એથી વધુ વર્ષ સૌપ્રથમ બે વર્ષના કન્ડિશનલ ગ્રીનકાર્ડ મળે એની વાટ જોવાનો સમય આવ્યો હતો. ભારતીયોને પહેલાં તો આ પ્રોગ્રામની જાણ જ નહોતી. અમેરિકાની કંપનીઓએ પણ આ પ્રોગ્રામ પ્રત્યે ઝાઝું લક્ષ્ય આપ્યું નહોતું. એ સમયે એમને અમેરિકાની બેન્કો અને ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યુશનો વ્યાજના સસ્તાદરે અને સરળતાથી લોન આપતા હતા. પછી અમેરિકામાં રિસેશન આવ્યું. અમેરિકાની કંપનીઓએ એમના મોટા મોટા પ્રોજેક્ટ્સ શરૂ કરવા અને શરૂ કરેલા પૂરા કરવા ફાઈનાન્સ ક્યાંથી મેળવવું એની ખોજ આદરી અને એમને ‘ઈબી-5 પ્રોગ્રામ’ ખૂબ પસંદ પડ્યો. ભારતીય બિઝનેસમેનો, જેઓ સ્થળાંતર કરીને અમેરિકામાં સ્થાયી થયા હતા અને જેમણે મોટા મોટા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા હતા યા શરૂ કરવાની વિચારણા કરતા હતા એમણે ભારતીયોને ‘ઈબી-5 પ્રોગ્રામ’ની જાણ કરવા માંડી અને ભારતીયોને એમનાં રિજનલ સેન્ટરોમાં રોકાણ કરવાનું જણાવ્યું. આ કટારના લેખકે એમના લેખો તેમ જ સેમિનારો અને રોડ શો દ્વારા મુંબઈ, પૂના, નાસિક તેમ જ ગુજરાતના ભારતીયોને ‘ઈબી-5 બેઝિક’ અને ‘પાઈલોટ પ્રોગ્રામ’ની જાણ કરી. ભારતીયો ધીરે ધીરે ‘ઈબી-5 પ્રોગ્રામ’ હેઠળ રોકાણ કરવા લાગ્યા. પણ રોકાણ કરતાં એમણે સૌથી મોટી ભૂલ એ કરી કે એમની જ્ઞાતિના, જાતિના, ગામ અને શહેરના, ઓળખીતા-પાળખીતાના રિજનલ સેન્ટરોમાં રોકાણ કર્યું. અનેક રિજનલ સેન્ટરોએ જાતજાતનાં પ્રલોભનો દર્શાવ્યાં. અને એ બધાથી અંજાઈ જઈને ભારતીયોએ રિજનલ સેન્ટરના પ્રમોટરો અને પ્રોજેક્ટ વિશે ઝાઝી તપાસ ન કરતાં રોકાણ કરવા માંડ્યું. આ કારણસર અનેકોનાં રોકાણ કરેલાં નાણાં ફસાઈ ગયાં. એમને ગ્રીનકાર્ડ તો ન મળ્યાં, પણ એમના રોકાણના પૈસા પણ પાછા ન મળ્યા.
થોડા સમય માટે આ રિજનલ સેન્ટરની સમયમર્યાદાનો અંત આવ્યો, એટલે થોડા સમય માટે ‘ઈબી-5 પ્રોગ્રામ’ હેઠળ રોકાણ થતું અટક્યું. પણ ફરી પાછો આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો, કારણ કે આ પ્રોગ્રામને લીધે અમેરિકામાં પરદેશથી અઢળક પૈસા આવતા હતા અને દરેક રોકાણકારદીઠ દસ અમેરિકનોને નોકરી પ્રાપ્ત થતી હતી. અમેરિકાની સરકારે આથી આ પ્રોગ્રામ ફરી પાછો શરૂ કર્યો છે, પણ એમ કરતાં એમણે રોકાણની રકમમાં ખૂબ વધારો કર્યો છે. ‘ઈબી-5 બેઝિક’ યા ‘પાઈલોટ’ પ્રોગ્રામ હેઠળ જો રોકાણ કરવાનું હોય તો શહેરોમાં જે પ્રોજેક્ટ્સ કરવાના હોય એમાં રોકાણની રકમ દસ લાખ પચાસ હજાર ડોલર કરવામાં આવી અને ટાર્ગેટેડ એરિયા યા બેકવર્ડ એરિયામાં જે પ્રોજેક્ટ્સ કરવાના હોય એમાં આઠ લાખ ડોલરનું રોકાણ કરવાનું ઠરાવવામાં આવ્યું. જેમ ઈમિગ્રેશન ખાતાએ રોકાણની રકમમાં વધારો કર્યો તેમ જ રિજનલ સેન્ટરોએ પણ એમની એડ્મિનિસ્ટ્રેટિવ ફી, જે પહેલાં પચાસ હજાર ડોલર હતી એ વધારીને એંસી હજાર ડોલર કરી. અમેરિકન એટર્નીઓએ એમની ફીમાં વધારો કર્યો. અમેરિકાની સરકારે પિટિશનોની ફાઈલિંગ ફીમાં વધારો કર્યો. આ બધા વધારા છતાં આજે ભારતીયો ‘ઈબી-5 પ્રોગ્રામ’ હેઠળ રોકાણ કરે છે. સેંકડોએ ઓલરેડી રોકાણ કર્યું છે. તેઓ એમનું પિટિશન એપ્રૂવ થાય અને એની હેઠળ વિઝા મળે, એની વાટ જોતાં ઊભા છે. સામાન્ય રીતે ભારતીયોને ‘ઈબી-5 પ્રોગ્રામ’ હેઠળ કન્ડિશનલ ગ્રીનકાર્ડ મેળવવા માટે આજે ચારથી પાંચ વર્ષ યા એથી થોડો વધુ સમય રાહ જોવી પડે છે. જેઓ અમેરિકામાં વેલિડ વિઝા ઉપર હોય છે અને ત્યાં રહેતાં રહેતાં ‘ઈબી-5 પ્રોગ્રામ’ હેઠળ રોકાણ કરે છે તેઓ એમને રહેવાનો સમય આપવામાં આવ્યો હોય એ પૂરો થયા પછી પણ અમેરિકામાં રહી શકે છે. ‘ઈબી-5 પ્રોગ્રામ’ સારો છે. એના થકી રોકાણ કરતાં, પૈસા ફેંકતાં ગ્રીનકાર્ડ પ્રાપ્ત થઈ શકે છે, પણ જો તમારા નસીબમાં તમે જે રિજનલ સેન્ટરમાં રોકાણ કર્યું હોય, એના પ્રમોટરો, માલિકો, એ રિજનલ સેન્ટર ચલાવનારાઓ લુચ્ચા કે લબાડ હોય, લોકોને છેતરવા માટે જ એમણે રિજનલ સેન્ટર ઊભું કર્યું હોય તો તમારા પૈસા તો પાછા મળવા મુશ્કેલ થશે, પણ તમને ગ્રીનકાર્ડ પણ પ્રાપ્ત નહીં થાય.
‘ઈબી-5 પ્રોગ્રામ’ હેઠળ ગ્રીનકાર્ડ મેળવવું હોય તો રિજનલ સેન્ટરની પસંદગી કરતાં પહેલાં નીચેની પ્રાથમિક, પણ અત્યંત અગત્યની ચોકસાઈ કરી લેજો. રિજનલ સેન્ટરના પ્રમોટરો કોણ છે એ જાણી લો. એમનો પાછલો ઈતિહાસ કેવો છે એ તપાસી લો. તેઓ જે પ્રોજેક્ટ કરવાના છે એનો એમને કેટલો અનુભવ છે એ જાણી લો. એ પ્રોજેક્ટ પૂરો કરવા માટે જો કોઈ પરમિશન મેળવવાની હોય તો એ મેળવી છે કે નહીં એ તપાસી લો. એ પ્રોજેક્ટમાં એમણે પોતે કેટલા પૈસાનું રોકાણ કર્યું છે, અમેરિકાની બેન્કો તેમ જ ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યુશનોએ એમાં રોકાણ કર્યું છે? જો હા, તો કેટલું? આ પણ જાણી લો. તેઓ કુલ્લે કેટલા ઈન્વેસ્ટરો પાસેથી રોકાણ મેળવવાના છે અને એ દરેક ઈન્વેસ્ટરદીઠ દસ અમેરિકનોને તેઓ એમના પ્રોજેક્ટમાં સીધી યા આકડતરી રીતે નોકરીમાં રાખી શકશે? આ અતિ અગત્યની વાત જાણી લો. આટલા અમેરિકન વર્કરો તેઓ જ્યાં પ્રોજેક્ટ કરી રહ્યા છે ત્યાં મળી રહેશે એની પણ તપાસ કરી લો. આ બધી જ વાતો ડ્યુડિલિજન્સ કરાવી જાણી લો. સૌથી અગત્યનું એ છે કે અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાના અને એમાં પણ ‘ઈબી-5 પ્રોગ્રામ’ના જાણકાર, ખાતરી લાયક એડ્વોકેટને સૌપ્રથમ મળીને આ બધાં કાર્યો એમના થકી કરાવો. આ સઘળું કરાવશો તો પણ તમારા રોકાણના પૈસા ‘એટ રિસ્ક’ રહેશે. અને ‘ન જાણ્યું જાનકીનાથે કે સવારે શું થવાનું છે’, એ મુજબ તમે એવું ન માનતા કે પૈસા ફેંકશો, રોકાણ કરશો એટલે તમને ગ્રીનકાર્ડ મળી જ જશે.