સ્કૂલના સિક્યુરિટી ગાર્ડ, જસદણમાં પ્રૌઢ અને રાજકોટમાં મહિલાનું હાર્ટએટેકથી મૃત્યુ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં આજે વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મૃત્યુ નીપજ્યું છે જેમાં સ્કૂલના સિક્યુરિટી ગાર્ડ, જસદણમાં પ્રૌઢ અને રાજકોટમાં મહિલાનું હાર્ટએટેકથી મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ માધાપર ગામમાં સિંઘવનગરમાં રહેતાં અને વેસ્ટવુડ સ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હમીરભાઈ રામભાઈ સિંઘવ ઉ.62 ગત રાત્રે નોકરી પર ગયા હતાં વહેલી સવારે પાંચ વાગ્યે નોકરી પર જ છાતીમાં દુખાવો ઉપડતાં બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ફરજ પરના તબીબોએ જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતાં બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે દોડી જઈ તપાસ કરતાં મૃતક સાત વર્ષથી સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતાં અને ચાર ભાઈ-બે બહેનમાં બીજા નંબરના અને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે જ્યારે બીજા બનાવમાં જસદણના રામલિયા ગામે રહેતાં અમરાભાઈ રામાભાઈ મકવાણા ઉ.55 ગત બપોરે પોતાના ઘરે અચાનક બેભાન થઈ ઢળી પડતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવ અંગે જસદણ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી મૃતક સાત ભાઈ- બે બહેનમાં વચેટ અને સંતાનમાં બે પુત્ર – બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત રાજકોટમાં કોઠારીયા રોડ પર કિરણ સોસાયટીમાં રહેતાં ગીતાબેન પ્રવીણભાઈ ગઢવી ઉ.55 ગત રાત્રીના ઘરે બેભાન થઈ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું બનાવ અંગે ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી મહિલાના મોતથી બે પુત્રએ માતાનું છત્ર ગુમાવી છે.