પહેલી મેચ સાઉથેમ્પટનમાં ભારતીય સમય પ્રમાણે રાત્રે 10:30 વાગ્યાથી શરૂ થશે
કોહલી, બુમરાહ, જાડેજા, પંત, અય્યર સહિતના આજની મેચ નહીં રમે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ત્રણ મેચની ટી-20 શ્રેણીની શરૂઆત થઈ રહી છે. પહેલી મેચ સાઉથેમ્પટનમાં ભારતીય સમય પ્રમાણે રાત્રે 10:30 વાગ્યાથી શરૂ થશે. એજબેસ્ટન ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયા ટી-20માં સકારાત્મક શરૂઆત કરવા માંગશે. નિયમિત કેપ્ટન રોહિત શર્માની વાપસીથી ટીમ ઈન્ડિયા મજબૂત બની છે. જો કે આજની મેચમાં વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, શ્રેયસ અય્યર અને ઋષભ પંત સહિત ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ટીમમાં સામેલ રહેલા ક્રિકેટર રમશે નહીં અને તેઓ બીજી ટી-20 મેચથી ટીમ સાથે જોડાશે. આજની મેચમાં મોટાભાગના ખેલાડીઓ એ જ છે જે આયર્લેન્ડ પ્રવાસે ટીમ ઈન્ડિયામાં સામેલ હતા. આવામાં રોહિત શર્મા સામે સચોટ પ્લેઈંગ ઈલેવન પસંદ કરવાનો પડકાર રહેશે. ત્રણ મેચની ટી-20 શ્રેણી ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ મેચમાં મળેલી હારથી ગુમાવી દીધેલા આત્મવિશ્વાસને પરત મેળવવાની તક તો રહેશે જ સાથે સાથે આ શ્રેણી તેના માટે પ્રયોગનો માર્ગ છોડીને વિશ્વકપ માટે પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનને અંતિમ રૂપ આપનારી શ્રેણી પણ બની રહેશે.
અનેક સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસન જેવા ખેલાડીઓને ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે ટીમમાં સ્થાન મેળવવાની વધુ એક તક મળશે.