140 ઇઝરાયેલી મધપુડાની પેટીઓ મારફત છ માસમાં 200 કિલોથી પણ વધુ મધનુ થયુ ઉત્પાદન
ખાસ-ખબર સંવાદદાતા
આજના આધુનિક યુગમાં ગામડાઓ ખાલી થઇ રહયા છે, યુવાનો પરંપરાગત ખેતી- પશુપાલન છોડીને શહેરમાં સ્થળાંરિત થતાં રહેતા હોય છે. શિક્ષિત યુવાનો શહેરમાં નોકરીઓ કરતા હોય છે. ત્યારે એક ઉલટી ગંગા જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં જોવા મળી. ત્રણ યુવકો મેહુલ સાપરા(આઇટીઆઇ વાયરમેન, ઉમર 21 વર્ષ), દીપ જારસાણિયા (એગ્રીકલ્ચરમાં ગ્રેજયુએટ, ઉમર 21) અને જતીન સોલંકી (એગ્રીકલ્ચરમાં પોસ્ટ ગ્રેજયુએટ, 27 વર્ષ) કે જેઓ શિક્ષિત છે. તેઓએ પોતાની પરંપરાગત ખેતીને જ વ્યવસાય તરીકે અપનાવી. પોતાના ખેતેરોમાં આધુનિક કરવા ઉપરાંત મધ ઉછેર કેન્દ્ર શરૂ કર્યુ. ઇઝરાયેલી મધમાખીને 140 પેટી (મધપુડા)ઓ વસાવીને આધુનિક પધ્ધતિથી મધ એકત્રિત કરવાનું કાર્ય કરે છે. તેઓએ છેલ્લા છ માસમાં 200 કિલોથી પણ વધુ મધ એકત્રિત કર્યુ છે.મેહુલ સાપરા(સાત વિધા જમીન), દીપ જારસણિયા (20 વિધા જમીન) અને જતીન સોલંકી (22 વિધા જમીન)માં ડ્રીપ ઇરીગેશન, ટ્રેકટર વગેરે આધુનિક સાધનો વાપરીને ખેતી કરે છે.ઇઝરાયેલી મધમાખી દેશી માખી કરતાં મોટી હોઇ છે અને તે દેશી માખીની તુલનાએ વધુ મધ એકત્રિત કરવાની ક્ષમતા ધરાવતી હોય છે. આ માખીઓ દેશી માખીઓની જેમ ઝુંડમાં કરડતી નથી પરંતુ સિંગલ સિંગલ કરડે છે મધપૂડામાંથી મધ એકત્રિત કરતી વખતે માખીના ડંખને તો ભોગ બની જવાતો જ હોય છે. એક પેટી દિઠ મહિને અંદાજે અઠીથી ત્રણ કિલો જેટલું મધ પ્રાપ્ત થાય છે.
- Advertisement -
હાલમાં ચોમાસાની ઋતુમાં ફલાવરીંગ ઓછું થતું હોય 140 ના બદલે 44 પેટીઓ જ ખેતરોમાં રાખી છે. ઇઝરાઇલની મધપુડાની પેટીમાં એક રાણી માખી જ રહે છે ને તે ઇંડા મૂકીને બીજી માખીઓ પેદા કરે છે જો બીજી કોઈ રાણી માખી યુવાન થઈ જાય તો જૂની રાણી માખીને મારી નાખે છે અથવા નવી રાણી માખીએ પોતાનું નવું સ્થાન ગોતવું પડતું હોય છે. અમે બંને રાણી માખીને ભેગી નથી થવા દેતા, તેમ દીપભાઈ જણાવ્યું હતું.