20થી વધુ દેશના 100થી વધુ પ્રતિનિધિઓની હાજરી: સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા સતત 11મી વખત આયોજન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય વેપાર મેળા એસવીયુએમ 2025નો આજથી એન.એસ.આઇ.સી. ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો હતો. આ વેપાર મેળો આજે અગ્રણીઓની હાજરીમાં આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદજી તેમજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. ઉલ્લેખનીય છે કે વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા સતત 11મી વાર આ વેપાર મેળો યોજાઈ રહ્યો છે, જે આજથી ત્રણ દિવસ એટલે કે 13 માર્ચ સુધી ચાલશે. સતત 11મી વખત થનાર આ આયોજનમાં 20થી વધુ દેશના 100 સોથી વધુ પ્રતિનિધિઓ હાજરી આપશે તેમજ 25 હજારથી વધુ સ્થાનિક લોકો મુલાકાત લેશે. આ વેપારી મેળાએ સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ દેશ વિદેશમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે. રાજકોટના આજી વસાહત અમૂલ સર્કલ પાસે આવેલા એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો આજે સવારે આર્ષ વિદ્યા મંદિરના સ્વામી પરમાત્માનંદજી તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે દીપ પ્રગટાવી પ્રારંભ કરાયો હતો. સવારે 10થી સાંજે 6 કલાક સુધી ચાલુ રહેનાર આ વેપાર મેળામાં દરેક લોકો માટે પ્રવેશ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે. આ મેળામાં 90થી વધુ કંપની ભાગ લઇ રહી છે. સૌથી મહત્ત્વનું સ્ટાર્ટઅપ અને મહિલા ઉદ્યમીને પણ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. જેમાં નાનામાં નાના ઉત્પાદક કે વેપારીઓ સરકારની સબસિડીના માધ્યમથી દેશ વિદેશનો વેપાર વિકસાવી શકશે. આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકાના ડેલિગેટ્સ જોડાશે. જેઓ એગ્રિકલ્ચર ઇક્વિપમેન્ટ, ફૂડ પ્રોસેસિંગ મશીનરીઝ, ઓટો અને એન્જિન પાર્ટસ, બિલ્ડિંગ મટિરિયલ્સ, એન્જિનિયરિંગ એસેસરીઝ, હર્બલ પ્રોડક્ટ સહિતની ખરીદી કરશે. તેમજ 14થી 16 માર્ચ 3 દિવસ રાજકોટની અલગ અલગ ફેક્ટરીની મુલાકાત લઇ ત્યાં બનતી પ્રોડક્ટની માહિતી મેળવશે. શ્રીલંકાનું 15 સભ્યનું પ્રતિનિધિ મંડળ આ વેપાર મેળામાં જોડાઇ બિલ્ડિંગ મટિરિયલ્સને લગતી તમામ પ્રોડક્ટની માહિતી લેશે. આ ઉપરાંત ઝિમ્બાબ્વે સરકારના 36 સભ્યનું પ્રતિનિધિ મંડળ જોડાઇ મહિલાઓ દ્વારા તૈયાર થતી વસ્તુઓ પર આયાત જકાત માફ કરશે ત્યારે રાજકોટ સૌરાષ્ટ્ર માટે નિકાસ વેપાર માટે ઉત્તમ તક સર્જાશે ત્રણ દિવસ ચાલનાર વેપાર મેળાની મુલાકાત લેનાર લોકોને વધુ સમજણ મળે તે માટે સેમિનાર, શિબિર અને ખેડૂત સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં 11 માર્ચે બપોરે 3 કલાકે સ્ટાર્ટઅપ સેમિનાર, 12 માર્ચે ટૂરિઝમ ચિંતન શિબિર અને 13 માર્ચે ખેડૂત સંમેલન યોજાશે. જેમાં ઓર્ગેનિક, પ્રાકૃતિક અને ગૌ-આધારિત ખેતી ઉપર માર્ગદર્શન અપાશે. આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાને સફળ બનાવવા સંસ્થાના પરાગભાઈ તેજુરા સહિતના ટીમના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.



