સુપ્રીમ કોર્ટની સત્તા મર્યાદિત કરવાના એક વિવાદિત બિલને પ્રાથમિક મંજૂરી આપતા દેખાવો
ખાસ-ખબર સંવાદદાતા
ન્યાયતંત્રમાં મોટા પાયે ફેરફારની સરકારની યોજના વિરુદ્ધ ઇઝરાયેલના હજારો નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં અને તેમણે જેરૃસલેમ, હાઇફા અને તેલ અવીવને જોડતા હાઇવે બ્લોક કરી દીધા હતાં. ઉલ્લેખનીય છે કે સરકારની આ યોજના અંગે દેશના નાગરિકોના મત વહેંચાયેલા છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સંસદીય ગઠબંધન દ્વારા સુપ્રીમ કોર્ટની સત્તા મર્યાદિત કરવાના એક વિવાદિત બિલને પ્રાથમિક મંજૂરી આપતા દેખાવો શરૃ થઇ ગયા હતાં.
- Advertisement -
નેતન્યાહૂના અતિરાષ્ટ્રવાદી અને અતિરૃઢીવાદી સહયોગીઓ દ્વારા પ્રસ્તાવિત અનેક બિલોમાંથી આ એક બિલ છે. આ બિલનો સમગ્ર દેશમાં મોટા પાયે વિરોધ થઇ રહ્યો છે. બિલના વિરોધીઓએ આ બિલને દેશને સરમુખ્ત્યારશાહી તરફ લઇ જનારું ગણાવ્યું હતું.
ન્યાયતંત્રમાં ફેરફારનોે વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓએ સમગ્ર દિવસ રાષ્ટ્રવ્યાપી દેખાવોની અપીલ કરી હતી. દેખાવકારો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે પણ દેખાવો કરી રહ્યાં છે જેથી આંતરરાષ્ટ્રીય ફલાઇટોને અસર થવાની શક્યતા છે. ઇઝરાયેલ સેનાના સાયબર યુનિટના 300 કર્મચારીઓએ મંગળવારે એક પત્ર પર સહી કરી હતી જેમાં તેમણે પોતાની સેવાઓ આપવાનો ઇનકાર કર્યો છે. સેવા ન આપવાનું કારણ બતાવતા જણાવ્યું હતું કે ઇઝરાયેલની સરકાર બતાવવા માગે છે કે તે ઇઝરાયેલનો નાશ કરવા મક્કમ છે. પત્રમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંવેદનશીલ સાયબર ક્ષમતા જેનો દુરુપયોગ થવાનો ભય હોય તેને અપરાધી સરકારને આપવી ન જોઇએ જે લોકશાહીને સમાપ્ત કરવા માગે છે. પોલીસને જેરુસલમ તરફ જતા હાઇવેને બ્લોક કરનારા લોકોને ખસેડવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. અધિકારીઓએ મોદીઇન શહેર તરફ જતા હાઇવને બ્લોક કરનાર દેખાવકારોની ધરપકડ કરી હતી.
ટીકાકારોનું માનવું છે કે આ બિલથી સરકારને મનસ્વી નિર્ણયો લેવા, અયોગ્ય નિમણૂક કરવા અને લોકોને નોકરીમાંથી કાઢવાની મંજૂરી મળી જશે તથા ભ્રષ્ટાચારના દરવાજા પણ ખૂલી જશે. આ દેખાવોમાં અત્યાર સુધીમાં 42 લોેકોની ધરપકડ કરવામાં આવી છે.