આજે બહેનો માટે મહેંદી સ્પર્ધા, સંગીત સંધ્યા અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન
સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરિયા, ભરત બોઘરા, જયમિન ઠાકર સહિતના રાજકીય, સામાજિક, ધાર્મિક સંસ્થાના આગેવાનોએ ગણપતિના આશીર્વાદ મેળવ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ત્રિકોણ બાગ કા રાજા ખાતે શનિ-રવિની રજા દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ બાપ્પાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. આ બે દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, રાજકોટ મનપા સ્ટે. ચેરમેન જૈમિન ઠાકર, સાંસદ મોહનભાઇ કુંડારિયા, રામભાઇ મોકારિયા, ભાજપ મહિલા મોરચા સેલના દીપાબેન કાચા, પ્રમુખ દેવયાનીબેન રાવલ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સામાજિક ધાર્મિક સંસ્થાઓના આગેવાનો દાદાના દર્શને આવ્યા હતા.
મહોત્સવમાં શનિવારના રોજ નાના બાળકો માટે શ્ર્લોક સ્પર્ધા અને સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ તેમજ મેરે દેવા ઘર આયો ભક્તિ સંગીત સંધ્યાને શ્રદ્ધાળુઓએ મન ભરીને માણી હતી. આયોજનના છઠ્ઠા દિવસે રવિવારના રોજ સુરભી ડાન્સ એકેડમીના બાળકોએ પોતાની ડાન્સ કલાની નિપુણતા પ્રસ્તુત કરી હતી. જ્યારે હોંગકોંગથી ખાસ આવેલા પૂર્વી બુટોલાની રાજકોટ સ્થિત રાસ એન્ડ રિધમ એકેડેમીના 17 બાળકો અને ડાંસરોના ગૃપે ફોક, ક્લાસિકલ, મલ્ટી કલ્ચર ડાન્સ, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, રાજસ્થાન, બંગાળી, કાશ્મીરી પરંપરાગત નૃત્ય પ્રસ્તુત કરી ઉપસ્થિત હજારો લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. બાપ્પાના દર્શને આવેલા ભરત બોઘરા અને સાંસદ રામભાઇ મોકરિયા અને સાંસદ મોહનભાઇ કુંડારિયાએ ત્રિકોણ બાગ કા રાજા ગણેશ મહોત્સવના છેલ્લા 25 વર્ષથી થતા આયોજનને બિરદાવ્યું હતું અને આયોજક જીમ્મી અડવાણીને શુભકામના પાઠવી હતી. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દુંદાળા દેવની ભક્તિ-સ્તુતિ અને આરોગ્યલક્ષી કાર્યક્રમોનો નગરજનોએ લાભ લીધો હતો.
બે દિવસ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો, અગ્રણીઓ અને નગરજનો ત્રિકોણબાગ કા રાજાના મહેમાન બની દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યાં જીમ્મીભાઇ અડવાણીએ તમામ મહેમાનોનું ફૂલહાર, પુષ્પગુચ્છથી સ્વાગત અભિવાદન કરી સર્વેએ આરતી દર્શનનો અવિસ્મરણીય લ્હાવો લીધો હતો. આજે બહેનો માટે મહેંદી સ્પર્ધા, સંગીત સંધ્યા અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.