મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
સામાન્યપણે શિવભક્તો શ્રાવણમાસમાં વિવિધ ક્રિયાઓ દ્વારા ભગવાન શિવજીની ભક્તિ અને આરાધના કરતાં જોવા મળે છે. પૂજા, આરતી, યજ્ઞ, વ્રત, તપ, જપ, દાન, તીર્થદર્શન વગેરે ઉપચારો દ્વારા ભક્તો મહાદેવને રીઝવવા માટે પ્રયત્નો કરતાં રહે છે.
સ્વયં મહાદેવજી આ વિશે શું કહે છે ? શ્રી ગુરુગીતામાં ભગવાન શંકર કહે છે કે : યજ્ઞ, વ્રત, તપ, દાન, જપ અને તીર્થ કરનારા જ્યાં સુધી ગુરુતત્ત્વને જાણતાં નથી, ત્યાં સુધી મૂર્ખની જેમ ભટકે છે. અહીં ગુરુ એટલે સર્વગુણસમ્પન્ન સદ્ગુરુ હોઈ શકે છે અને જો એવાં ગુરુ ન મળે તો તે સ્થાને ભગવાન શિવજી સ્વયં બિરાજી શકે છે. કારણ કે ભગવાન શિવજીને ‘ઉૂ્ંયઞળપ્ર ઉૂ્ંય’ માનવામાં આવ્યા છે.
- Advertisement -
ભગવાન શંકર ગુરુગીતાના આ શ્ર્લોકમાં ગુરુ શબ્દ કરતાં વધારે ગુરુતત્ત્વ શબ્દનો મહિમા વર્ણવે છે. ઘણાં લોકોને આ તફાવત નહિ સમજાય. એક ઉદાહરણ આપું. વરસાદનું ટીપું અને એ ટીપામાં રહેલી જળની ભીનાશ. આ બન્ને આપણને ઉપલક નજરે એક જ લાગે છે, પરંતુ વાસ્તવમાં એ બંને અલગ છે. વરસાદનું ટીપું એ પદાર્થ છે પણ એ ટીપામાં રહેલી ભીનાશ એ એનો ગુણ છે, એ એનું સત્ત્વ છે. એમ ગુરુ અથવા સદ્ગુરુ એ સાકાર, સગુણ સ્વરૂપ છે પણ એ ગુરુમાં રહેલું ગુરુતત્ત્વ એ સદ્ગુરુ કરતાં પણ વધારે મહાન છે. ભગવાન શંકર ગુરુતત્ત્વને સમજવાની વાત કરે છે. આ ગુરુતત્ત્વને સમજો નહિ ત્યાં સુધી, આ શિવતત્ત્વને સમજો નહિ ત્યાં સુધી માત્ર માળા ફેરવવી, મંત્ર-જાપ કરવો, દીવો-અગરબત્તી-ધૂપ કરવા, શંખ ફૂંકવો, ઝાલર કરવી, આરતી કરવી, બીલીપત્ર ચડાવવા, રુદ્રાભિષેક કરવો આ બધા બાહ્યોપચારો છે. એ આવશ્યક છે પરંતુ એ પર્યાપ્ત નથી. શિવતત્ત્વને, ગુરુતત્ત્વને જો સમજ્યા વગર જ આ બધું કરવામાં આવે તો એ ફળદાયી નહીં નીવડે.
મિત્રો, આખો શ્રાવણ મહિનો આપણે ગુરુતત્ત્વને સમજીને ભગવાન શિવજીની આરાધના કરીશું.