તા.5મી ઓગસ્ટના સોમવારથી ભગવાન શિવને પ્રિય માસનો પ્રારંભ: તા.19 ઓગસ્ટના સોમવારના રક્ષાબંધન, તા.26ના સોમવારે જન્માષ્ટમી તથા તા.2જી સપ્ટેમ્બરના સોમવતી અમાસ: શ્રાવણના સોમવારનું વિશેષ મહાત્મ્ય: શિવપૂજન કઈ રીતે કરશો?
ભગવાન શિવજીનો પ્રિય માસ શ્રાવણની પ્રતીક્ષા શિવભકતોમાં થઈ રહી છે. આગામી તા.5મી ઓગષ્ટના સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે શિવ ભકતોને શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર હોવાથી ચારના બદલે પાંચ સોમવાર શિવ ભકિતનો લાભ મળશે.
- Advertisement -
શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવેલ છે કે આ વર્ષે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર તા.12મી ઓગષ્ટના, બીજો સોમવાર તા.19મી ઓગષ્ટના છે. તથા રક્ષાબંધન પર્વ પણ છે. તા.26 ઓગષ્ટના સોમવારે જન્માષ્ટમી છે તથા તા.2જી સપ્ટેમ્બરના સોમવતી અમાસ છે.
શ્રાવણ મહિનો પ્રારંભ પણ સોમવારથી થઈ રહ્યો છે. આ વર્ષે રક્ષાબંધન પણ સોમવારના છે. જન્માષ્ટમી અને સોમવતી અમાસ પણ સોમવારે છે. આ વર્ષે શ્રાવણ મહિનામાં સોમવારનું મહત્વ સવિશેષ રહેશે. શિવભકતોને ચારના બદલે પાંચ સોમવારની મહાદેવજીની પૂજા-ભકિતનો લાભ મળશે. શ્રાવણ મહિનામાં અમાસની વૃધ્ધિ તિથિ હોવાથી તા.3જી સપ્ટેમ્બર મંગળવારના શ્રાવણ મહિનાનું સમાપન થશે. આ વર્ષે શ્રાવણ મહિનો પુરા ત્રીસ દિવસનો છે.
શ્રાવણના સોમવારનું મહત્વ
શિવપુરાણને અનુસાર શ્રાવણીયા સોમવારનું વ્રત કરવાથી ભાગ્યોદય થાય છે. અને ભકતો પર શિવ કૃપા ઉતરે છે. તેમજ જીવનમાં સુખ સમૃધ્ધિ અને વૈવાહિક જીવનની ખુશાલી માટે શ્રાવણના સોમવારનું વ્રત કરવામાં આવે છે. શ્રાવણના સોમવારે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાથી ગ્રહ-નક્ષત્રોનું શુભ ફળ મળે છે અને બધા દોષો દુર થાય છે કારણ કે ભગવાન શિવ બધા ગ્રહ-નક્ષત્ર અને સૃષ્ટિના સ્વામી છે. તેઓ દેવોના દેવ મહાદેવ છે જે દરરોજ ભગવાન શિવની પૂજા અર્ચના કરી શકતો નથી. તેઓએ શ્રાવણના સોમવારમાં ભગવાન ભોલેનાથની પૂજા અવશ્ય કરવી જોઈએ અને વ્રત રાખવું જોઈએ. મહાદેવને આશુતોષ પણ કહેવામાં આવ્યા છે. આશુતોષનો અર્થ છે તરત જ ખુશ-પ્રસન્ન થનારા, તેના સિવાય એવી પણ માન્યતા છે કે ભગવાન શિવ શ્રાવણ માસમાં ધરતી પર પોતાના સાસરે ગયા હતા જયાં તેમનું ભવ્ય સ્વાગત, જલાભિષેક કરીને કરવામાં આવેલું, એટલા માટે આ માસ (શ્રાવણ)માં શિવભકતો ભકિતમાં લીન રહે છે. જેથી શિવકૃપા મેળવી શકે.
- Advertisement -
શિવપૂજનની વિધિ
શ્રાવણના સોમવારનું વ્રત બ્રહ્મ મુહૂર્તથી લઈને પ્રદોષકાળ સુધી અર્થાત દિવસના ત્રીજા પ્રહર સાયંકાળ સુધી રાખવામાં આવે છે. શ્રાવણના પ્રથમ સોમવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન, ધ્યાન કરીને હાથમાં અક્ષત લઈને શ્રાવણના સોમવારના વ્રતનો સંકલ્પ કરવો ત્યાર પછી નજીકના શિવાલયમાં જઈને શિવલીંગ પર જળ (ગંગાજળ) અભિષેક, બીલીપત્ર, દૂધ, દહીં, મધ, સોપારી, ફળ, ફૂલ, ધતુરો વગેરે પૂજન સામગ્રી અર્પણ કરવી અને વિધિવિધાનની સાથે શિવલીંગની પૂજા કરવી.શ્રાવણના સોમવારનું વ્રત કરનારે કથા સાંભળવી અનિવાર્ય છે. કથા શ્રવણ કે કર્યા બાદ શિવ મંત્રોના જાપ કરવા અને આરતી કરવી. ત્યાર પછી પ્રદોષ કાળમાં પણ શિવ પૂજન અવશ્ય કરવું. શિવપૂજન કર્યા પછી ફળાહાર કરી શકાય છે. ઉપવાસ કરતા ભકતોએ રાત્રીના સમયે જમીન પર સૂવું જોઈએ. પુરા વર્ષની શિવ સાધનાને બરાબરનું ફળ માત્ર શ્રાવણ માસના પાંચ સોમવારના વ્રત કરવાથી મળે છે.
શ્રાવણ માસમાં આવતા સોમવારની સૂચિ
(1) તા.5-8-2024: પ્રથમ સોમવાર શ્રાવણ માસનો પ્રારંભ
(2) તા.12-8-2024: શ્રાવણનો બીજો સોમવાર
(3) તા.19-8-2024: શ્રાવણનો ત્રીજો સોમવાર રક્ષા બંધન પર્વ
(4) તા.26-8-2024 શ્રાવણનો ચોથો સોમવાર જન્માષ્ટમી પર્વ
(5) તા.2-9-2024 શ્રાવણનો પાંચમો સોમવાર સોમવતી અમાસ