હેલિકોપ્ટરથી 200 કિલો ફૂલવર્ષા કરાશે: રાસ-ગરબાની જમાવટ થશે, ઠેર ઠેર સ્વાગત અને પ્રસાદીનું વિતરણ કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. દરેક વખતની જેમ આ વખતે પણ રામનાથ મહાદેવની વરણાગી નીકળશે. રામનાથદાદાની વરણાગીને આજે 100 વર્ષ પૂર્ણ થશે. આ શતાબ્દી મહોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવશે.
- Advertisement -
વરણાગી શરૂ થતા અને પૂર્ણ થયા બાદ રામનાથદાદા જ્યારે નિજ મંદિરમાં પરત ફરશે ત્યારે 200 કિલો ફૂલની હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે.આ માટે ખાસ હેલિપેડ બનાવવામાં આવ્યું છે તેમજ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.
હેલિકોપ્ટર મારફતે પુષ્પવર્ષાની સેવાના આયોજક અમિતભાઈ રાઠોડ છે. તેના જણાવ્યાનુસાર તે 1996થી રામનાથ મંદિરમાં સેવા આપી રહ્યા છે અને 2006થી મંદિરના શણગારની જવાબદારી સંભાળે છે. વરણાગીના શતાબ્દી મહોત્સવની ઉજવણી યાદગાર બને તે હેતુથી આ આયોજન કરાયું છે. ફૂલો-ફૂલોની પાંદડી રાજસ્થાનથી મગાવવામાં આવી છે. હેલિકોપ્ટર અમદાવાદથી મગાવાયું છે. બપોરે 3.30 કલાકે હેલિકોપ્ટર લેન્ડ થશે અને ત્યાર બાદ પુષ્પવર્ષા થશે પછી વરણાગીની શરૂઆત થશે. તેમજ મોરબીથી ખાસ બેન્ડ મગાવવામાં આવ્યું છે. જે દાદાની વિશેષ આરતી કરશે. વરણાગી રામનાથ મંદિરેથી શરૂ થયા બાદ રામનાથપરા, ગરબી ચોક, રૈયા નાકા ટાવર, પરાબજાર મેઈન રોડ, સાંગણવા ચોક, કરણસિંહજી હાઈસ્કૂલ, કરણપરા ચોક, પેલેસ રોડ, સંતોષ ડેરી, રામમઢી પાસે, હાથીખાના મેઈન રોડ, હુસેની ચોકથી ફરી રામનાથ મંદિરે પરત ફરશે. આ વરણાગી મહોત્સવમાં અંદાજિત 100થી વધુ સ્વયંસેવકો પોતાની સેવા આપશે અને 50 હજારથી વધુ ભક્તો જોડાય તેવો અંદાજ છે.
વરણાગી દરમિયાન રાસ-ગરબાની જમાવટ થશે. ઠેર ઠેર સ્વાગત અને પ્રસાદીનું વિતરણ કરાશે. વરણાગી પૂર્ણ થયા બાદ સાંજે નિજ મંદિરમાં જ્યારે રામનાથદાદા પરત ફરશે ત્યારે પણ પુષ્પવર્ષા અને આતાશબાજી સાથે તેનું સ્વાગત કરાશે અને વિશેષ આરતી થશે. રામનાથ મંદિરે 24 કલાક દર્શન ખુલ્લા રહે છે. સામાન્ય દિવસ કરતા શ્રાવણમાં ભક્તોની દર્શન માટે ભીડ 5 ગણી જોવા મળી હતી.