ગરીબ પરિવારના આ અપંગ છોકરાએ મજબૂત મનોબળના સહારે દુનિયાની સૌથી કઠિન પરીક્ષા પાસ કરી. ગોપાલક્રિષ્નને ઞઙજઈની પરીક્ષામાં સમગ્ર ભારતમાં ત્રીજો નંબર મેળવી સાબિત કર્યું કે મન હોય તો માળવે જવાય
આંધ્રપ્રદેશ રાજ્યના એક પછાત જિલ્લાના અંતરિયાળ ગામડામાં રહેતા ગોપાલક્રિષ્નનને ભણવાની બહુ ઇચ્છા હતી પણ પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી. ગોપાલક્રિષ્નનનાં માતા-પિતા ખેતરમાં મજૂરી કરવા જતાં. એના ઘરમાં વીજળી પણ નહોતી. મજૂરીકામ કરીને માંડ માંડ ગુજરાન ચાલે એવી પરિસ્થિતિમાં પણ છોકરાની ઇચ્છા હોવાથી ગોપાલક્રિષ્નનને સરકારી શાળામાં ભણવા બેસાડયો.
10મા ધોરણમાં અભ્યાસ કરતો હતો એ વખતે આ છોકરો ઝાડ પરથી નીચે પટકાયો અને અપંગ બની ગયો. અપંગ ગોપાલક્રિષ્નને બીજા પર આધાર રાખીને જિંદગી જીવવાના બદલે પોતાના પગ ઉપર જ ઊભા રહેવાનો સંકલ્પ કર્યો. શિક્ષક બનવા માટેનો કોર્સ પૂરો કરીને એ સરકારી શાળામાં શિક્ષક બની ગયો. શાળામાં ભણવા આવતાં પોતાના જેવાં ગરીબ બાળકોને જોઈને આવા ગરીબ લોકો માટે કંઈક કરવાની એને ઇચ્છા થતી હતી. શિક્ષક તરીકે એની કેટલીક મર્યાદાઓ હતી આથી ગરીબોના કલ્યાણ માટે કલેક્ટર બનવાનો એણે નિર્ણય કર્યો. આ માટે યુપીએસસીની પરીક્ષા આપવાનું નક્કી કર્યું.
- Advertisement -
આ પરીક્ષાની તૈયારી કરાવતા કોચિંગ કલાસનો સંપર્ક કર્યો તો કોચિંગ ક્લાસવાળાએ ગોપાલક્રિષ્નનને ચોખ્ખું કહી દીધું કે તારી ક્ષમતા જોતાં તું આ પરીક્ષા પાસ કરી શકે તેમ નથી. તને અંગ્રેજી પણ નથી આવડતું અને હિંદી પણ નથી આવડતું એટલે આ પરીક્ષા પાસ કરવી તારા માટે શક્ય જ નથી. કદાચ કોઈ સામાન્ય માણસ હોય તો વાત સ્વીકારીને હથિયાર હેઠાં મૂકી દે પણ આ યુવાને કોઈ પણ સંજોગોમાં પરીક્ષા પાસ કરીને ક્લેકટર બનવાનું સપનું પૂરું કરવાનો દૃઢ સંકલ્પ કર્યો હતો એટલે એ કોચિંગવાળા સાહેબના આવા જવાબથી વિચલિત ન થયો.
ગોપાલક્રિષ્નને આ વાતને ચેલેન્જ તરીકે સ્વીકારી. અંગ્રેજી અને હિંદી નહોતું આવડતું એટલે તેલગુ ભાષામાં તૈયારી કરી પ્રાદેશિક ભાષામાં જ યુપીએસસીની પરીક્ષા આપવાનું નક્કી કરી તનતોડ મહેનત શરૂ કરી. ગરીબ પરિવારના આ અપંગ છોકરાએ મજબૂત મનોબળના સહારે દુનિયાની સૌથી કઠિન પરીક્ષા પાસ કરી. ગોપાલક્રિષ્નને યુપીએસસીની પરીક્ષામાં સમગ્ર ભારતમાં ત્રીજો નંબર મેળવી સાબિત કર્યું કે મન હોય તો માળવે જવાય.
ભગવાન કદાચ કોઈ ને કોઈ પ્રકારની મર્યાદાઓ આપે છે, તો સામે ક્ષમતાઓ પણ આપે છે. માણસ પોતાની મર્યાદાઓનો વિચાર કરીને હથિયારો હેઠાં મૂકી દે છે, એટલે ક્ષમતાઓનો ઉપયોગ જ નથી થતો.