ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ દ્વારા ભવ્ય આયોજન
50 વર્ષથી ક્ષત્રિય ગિરાસદાર સમાજ શિસ્ત અને શૌર્ય સાથે વિજયાદશમી પર્વની ઉજવણી કરે છે
હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય ખાતે બપોરના બે કલાકે શસ્ત્રપૂજા થશે
શોભાયાત્રા બાદ રાજકોટ પેલેસ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં વિજ્યાદશમીએ ક્ષત્રિય સમાજના સામુહિક શસ્ત્રપૂજન અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરતાં શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ દ્વારા કરાયું છે. વિજ્યાદશમી પર્વ નિમિત્તે સામુહિક શસ્ત્રપૂજન અને ભવ્ય શોભાયાત્રામાં સમાજના આગેવાનો, વડીલો, અગ્રણીઓ, ભાઈઓ, યુવાનોએ બહોળી સંખ્યામાં પરંપરાગત પોષાકમાં ઉપસ્થિત રહેવા સંસ્થા દ્વારા આમંત્રણ છે.
છેલ્લાં 50 વર્ષથી રાજકોટમાં શિસ્ત અને શૌર્ય સાથે યોજાતા ક્ષત્રિય (ગિરાસદાર) સમાજનો આ કાર્યક્રમ આગામી તા. 2-10-25 ને ગુરુવારના રોજ વિજ્યાદશમી પર્વએ યોજાશે, જેમાં સામુહિક શસ્ત્રપૂજનનો શ્રી હરભમજી ગરાસિયા છાત્રાલય, રજપૂતપરા-5 ખાતે બપોરના બે કલાકે આરંભ થશે.ભૂદેવ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથેના સમૂહ શસ્ત્રપૂજન બાદ શોભાયાત્રાનો આરંભ થશે. રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા તેમજ યુવરાજ જયદીપસિંહજી (રામરાજા)ની આગેવાની હેઠળ સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે પરંપરાગત ભવ્ય શોભાયાત્રા છાત્રાલયથી આરંભ થઈને રજપૂતપરા મેઈન રોડ, ઢેબર ચોક, લાખાજીરાજબાપુના બાવલાએ ફૂલહાર સાથે ત્યાંથી ભૂપેન્દ્ર રોડ પર થઈ પેલેસ રોડ પર મા આશાપુરા માતાજીના મંદિર ખાતે પહોંચશે, ત્યાં રાજવી પરિવાર દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવશે. શોભાયાત્રા બાદ રાજકોટ પેલેસ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. શસ્ત્રપૂજન, શોભાયાત્રામાં સાફા, પાઘડી સાથેના પરંપરાગત પોષાકમાં ક્ષત્રિય ગિરાસદાર સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ, યુવાનોએ મોટી સંખ્યામાં શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયે સમયસર ઉપસ્થિત રહેવા શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ કાર્યવાહક સમિતિ દ્વારા અપીલ કરાઈ છે.
શોભાયાત્રા હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય 5, રજપૂતપરા ખાતેથી શ્રી આશાપુરા મંદિર પેલેસ રોડ પર દર્શન પહોંચશે, ત્યારબાદ રણજીત વિલાસ પેલેસ ખાતે રાજ પરિવાર દ્વારા શસ્ત્રપૂજન, અશ્ર્વપૂજન, ગાડી પૂજન, રથ પૂજન બાદ સર્વે સાથે અલ્પાહાર લેવાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંગે રાજદીપસિંહ જાડેજા (વાવડી રાજાભાઈ), આદિત્યસિંહ ગોહિલ (ખિજડીયા), સત્યજીતસિંહ જાડેજા (કાળીપાટ), છત્રપાલસિંહ જાડેજા (પડવલા), રાજદિપસિંહ ઝાલા (વણા), તિર્થરાજસિંહ ગોહિલ (ત્રાપજ), ચંદુભા જાડેજા (ખોખરી), દિલજીતસિંહ જાડેજા (ભાતેલ), જયદેવસિંહ જાડેજા (રીબ) જહેમત ઉઠાવી રહ્યા છે.