8 મહાપાલિકા, 18907 ગામડાંઓમાં બાળકો શું કામ સ્કૂલે નથી જતા તેનો સર્વે કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાકાળની મહામારી વચ્ચે શિક્ષણ ક્ષેત્રે દોઢ વર્ષ સુધી ઓનલાઇન વર્ગો ચાલ્યા બાદ હાલ શિક્ષણકાર્ય ઓફલાઇન ફરી રાબેતા મુજબ પાટે ચડી રહ્યું છે. તે સાથે જ કોરોનાકાળ વેળાએ શાળામાં ઘણા બાળકોએ ડ્રોપ આઉટ લીધો હોવાના કિસ્સાઓ પણ નોંધાયા છે. આ પરિસ્થિતિ વચ્ચે ડ્રોપઆઉટની ચિંતા વચ્ચે તેમજ બાળકો શિક્ષણથી દૂર થઇ રહ્યા છે તે પ્રકારની વાસ્તવિકતા ચકાસવા માટે રાજ્યની આઠ મહાપાલિકા અને 18907 ગામડાઓમાં શાળાએ ન જતા બાળકોનો ખાસ સર્વે હાથ ધરવાની યોજના ઘડવામાં આવી છે. જે અંતર્ગત છ થી અઢાર વર્ષની વયજૂથના શાળા બહારના અને વિશિષ્ઠ જરૂરિયાતો ધરાવતા બાળકોની વિગતો મંગાવવાનું કાર્ય હાથ ધરાશે. આ બાબતે ગુજરાત શાળા શિક્ષણ પરિષદે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર પણ મોકલ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, “કોઇ દિવસ શાળાએ ન જનારા બાળકોનો સર્વે કરવા ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા જાણ કરવામાં આવી છે. માત્ર ડ્રોપ આઉટ જ નહીં પરંતુ કોઇ દિવસ શાળા જ ન જોઇ હોય તેવા ભુલકાઓની સમસ્યા જાણવાના હેતુથી આ સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કાર્ય માટે શૈક્ષણિક સ્તેર અલગ અલગ વિભાગોને પણ કાર્યરત રહેવા સુચના આપવામાં આવી છે. પ્રાઇમરી સ્કૂલો, એનજીઓ સહિતના યુનિટોને કાર્યમાં સહયોગ આપવા જાણ કરવામાં આવી છે.