ભાવનગર જિલ્લાના મહુવામાં ભાજપના રાજકારણમાં ‘ઘર ફૂટે ઘર જાય..’ જેવી સ્થિતિનો જવાળામુખી ફાટીને બહાર આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
- Advertisement -
ભાવનગર જિલ્લાના મહુવામાં ભાજપના રાજકારણમાં ‘ઘર ફૂટે ઘર જાય..’ જેવી સ્થિતિનો જવાળામુખી ફાટીને બહાર આવ્યો છે. નગરપાલિકાની સામાન્ય સભામાં ખૂદ ભાજપના જ 18 સભ્યોએ બળવો કરી પાંચ કરોડના પુરાંતલક્ષી બજેટની વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું. વિરૂદ્ધમાં મતદાન કરનારા ભાજપના સભ્યોનો સાથ બેઠકમાં હાજર રહેલા એક માત્ર કોંગ્રેસના સભ્યએ પણ આપ્યો હતો. આમ, બજેટની વિરૂદ્ધમાં બહુમતી સધાઈ હતી.પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાની મહુવા નગર પાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં શાસક પક્ષે પાંચ કરોડનું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવા મુક્યું હતું. પરંતુ અગાઉથી જે ધારણાં હતી તે મુજબ જ સામાન્ય સભાને ખૂદ ભાજપના જ સભ્યોએ તોફાની અને વિવાદાસ્પદ બનાવી હતી. સભામાં ભાજપના 25માંથી 8 સભ્ય અને કોંગ્રેસના 1 સભ્ય મળી કુલ 19 સભ્યએ બજેટની વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું. જ્યારે ભાજપના સાત અને સમાજવાદી પાર્ટીના પાંચ મળી 12 સભ્યએ સમર્થનમાં વોટ આપ્યો હતો.સાધારણ સભા શરૂઆતથી જ તોફાની બની હતી અને ભાજપનો વિહીપ વાચવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. અસંતુષ્ટ સભ્યોએ એજન્ડા મુજબ કાર્યવાહી થતી ન હોવાનો બળાપો ઠાલવ્યો હતો. આમ, સાધારણ સભામાં ભાજપના વિખવાદે રાજકારણ ગરમાવ્યું છે અને આગામી દિવસોમાં કોઈ નવા-જૂની થાય તો પણ નવાઈ નહીં તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે.સાધારણ સભામાં કોંગ્રેસના 5 સભ્ય ગેરહાજર રહ્યા મહુવા નગરપાલિકાની બજેટ માટે મળેલી સાધારણ સભામાં કોંગ્રેસના પાંચ સભ્ય ગેરહાજર રહ્યા હતા. 9 વોર્ડની 36 બેઠકમાંથી 25 બેઠક ભાજપ, 6 કોંગ્રેસ અને પાંચ બેઠક પર સમાજવાદી પાર્ટીના સભ્યો ચૂંટાયેલા છે. તેમાં પણ ભાજપ સાથે કોંગ્રેસ-સપાના નગરસેવકોનું પઈલુ ઈલુથ ચાલતું હોય, સાંઠ-ગાંઠથી ભ્રષ્ટાચારયુક્ત વહીવટી ચલાવવામાં આવતો હોવાનો આક્ષેપ ખૂદ ભાજપના જ સભ્યોએ કર્યા છે. કારોબારીમાં મંજૂર કરવાના બદલે પ્રમુખે બજેટને બારોબાર મુક્યું મહુવા નગરપાલિકાના પાંચ કરોડના પુરાંતલક્ષી બજેટ સામે વિરોધ ઉઠાવનારા સભ્યોએ એવા ગંભીર આક્ષેપો મુક્યા છે કે, ખરેખર તો પહેલા કારોબારી સમિતિમાં બજેટ (અંદાજપત્ર) મંજૂરી કરી બાદમાં સામાન્ય સભામાં મુકવાનું હોય છે. આ માટે કારોબારી સમિતિના ચેરમેન જીતુબેન ગોહિલે ગત તા.21-2ના રોજ પ્રમુખને પત્ર લખી કારોબારીમાં બજેટ મંજૂર કરાવવા પણ કહ્યું હતું. તેમ છતાં પ્રમુખ ચાંદનીબેન મહેતાએ તે વાતને ગણકારી ન હતી અને પ્રમુખે સામાન્ય સભામાં બજેટ બારોબાર મુકી હતું. તેથી આ બજેટને નામંજૂર કરવા મતદાન કર્યું છે.