જાન્યુઆરી માસ સાથે હવે શિયાળો પણ વિદાય લેવાની તૈયારીમાં, છેલ્લા પાંચ દિવસમાં લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો
રવી સિઝનના મહત્તમ પાકની કાપણી પૂર્ણ થવાના આરે
ખાસ-ખબર સંવાદદાતા
જાન્યુઆરી માસની સાથે હવે શિયાળો પણ વિદાય લેવાની તૈયારીમાં છે. ચરોતર પંથકમાં હવે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહેશે.તેમાં કદાચ વધારો થશે, પણ ઘટાડો થવાની શક્યતા નહિવત છે. મોસમના અણસાર જોતા હવે આગામી થોડા દિવસો બાદ હવે ગરમ કપડાં પહેરવા નહીં પડે. મોસમમાં આવતા બદલાવ વચ્ચે વાતાવરણમાં પણ પલ્ટો આવવાની સંભવના છે. 31 જાન્યુઆરી અને 1લી ફેબ્રુઆરીના રોજ સવારના સમયમાં વાતાવરણ પલ્ટાવવાની સાથે આકાશ અંશત: વાદળછાયું રહેવાની શક્યતા છે. આ બે દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા નહિવત્ છે. પોષ માસ તેના ઉતરાર્ધ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે હવે ઠંડીની મોસમ પૂર્ણ થવાના આરે છે. છેલ્લા ચાર દિવસમાં સવારના તાપમાનમાં સાડા ચાર ડિગ્રીનો વધારો થયો છે. આજે સવારનું ઉષ્ણતામાન 14.4 ડિગ્રી નોંધાયું હોવાનું આણંદ કૃષિ હવામાન વિભાગના સૂત્રોએ પાસેથી જાણવા મળ્યું છે. હજુ ર6 જાન્યુઆરીના રોજ વહેલી સવારનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું. તે પછી માંડ એક દિવસ તાપમાન સ્ટેબલ રહ્યા બાદ તેમાં વધારો નોંધાયો છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હવે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી તો સવારે અને રાત્રિના સમયે જ ઠંડી અનુભવવા મળશે. જ્યારે દિવસનું તાપમાન 14 ડિગ્રી અને તેથી થોડું વધશે. આ વર્ષે શિયાળામાં પ્રમાણમાં ઠંડીની ઓછી અસર જોવા મળી છે. ખાસ કરીને જાન્યુઆરી માસમાં ઉતરાયણ બાદ ઠંડીની થોડી વધુ અસર વર્તાઈ હતી. હવે ધીમે ધીમે તે ઓરસવા લાગી છે. ચરોતરમાં ઘણાં ખેડૂતોએ ઉતરાયણ પહેલાં રવિ સીઝનના ઘઉં, તમાકુ તથા શાકભાજીના પાકની કાપણી કરી દીધી છે. ઘણાંએ ઉત્તરાયણ પછીના દસ દિવસોમાં કાપણી કરી લીધી છે. ઘણાં ઓછા ખેડૂતો છે જેમણે હવે કાપણી કરવાની બાકી છે. આગામી બે દિવસમાં વાતાવરણમાં પલ્ટા સાથે સાધારણ માવઠું થાય તે પહેલાં બાકી રહેલા ખેડૂતોએ પાકની કાપણી કરી લેવી હિતાવહ છે.
વાતાવરણમાં પલ્ટાના કારણે ઊભા પાકમાં જીવાત પડવાની શક્યતાને પણ નકારી શકાય એમ ન હોવાનું નિષ્ણાતો જણાવે છે. ખેડા જિલ્લામાં મંગળવારે મોલોમસીનો ભારે ઉપદ્રવ થઇ ગયો હતો.રવિપાકની કાપણી શરૂ થતાં આ સમસ્યા સર્જાઇ છે. જેમાં રાઇ સહિત અન્ય પાક તૈયાર થઇ જતાં ખેડૂતો દ્વારા કાપણી શરૂ કરી દેવામાં આવી છે. જેને લઇને સવારથીજ મોલોમસીનો રોડ -રસ્તા ઉપર થયેલા ઉપદ્રવને લઇને રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો .વાહનચાલકમાં આંખ અને મોઢામાં મસી ઘુસી જવાની પણ સમસ્યા સર્જાઇ હતી. જેથી ઘરની બહાર નીકળતાં રાહદારીઓ અને વાહન ચાલકોને સાવચેતી માટે માસ્ક તેમજ ચશ્મા પહેરીને નિકળવું હિતાવહ છે. જિલ્લામાં હજુ મોલોમસીની સમસ્યા એક સપ્તાહ સુધી રહે તેમ નિષ્ણાંતોએ
જણાવ્યું હતું.