બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીને એક મોટી રાહત આપતાં નાગપુર પોલીસે જણાવ્યું છે કે તેમના વીડિયોમાં કંઈ વાંધાજનક નથી.
અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિએ નોંધાવેલી ફરિયાદના સંદર્ભમાં નાગપુર પોલીસે બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને ક્લિનચીટ આપી છે. પોલીસે કહ્યું છે કે વીડિયોમાં અંધવિશ્વાસ કે અંધવિશ્વાસ જેવું કંઈ નથી. પોલીસે પોતાનો લેખિત જવાબ અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિના ચેરમેન અને ફરિયાદી શ્યામ માનવને મોકલી આપ્યો છે. શ્યામ માનવને તેમની ફરિયાદના ટેકામાં પોલીસને બાગેશ્વર બાબાનો નાગપુરની સભાનો વીડિયો પણ મોકલ્યો હતો પરંતુ હવે પોલીસને આ વીડિયોમાં કંઈ વાંધાજનક જણાતું નથી.
- Advertisement -
અંધશ્રદ્ધા નિર્મૂલનના શ્યામ માનવે નોંધાવી હતી ફરિયાદ
ધીરેન્દ્ર શાસ્ત્રીની ‘શ્રીરામ ચરિત્ર ચર્ચા’ નાગપુરમાં યોજાઈ હતી. તેની સામે મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ નાગપુર પોલીસને ફરિયાદ કરી હતી. સમિતિએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધા અને મેલીવિદ્યાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.
આ ફરિયાદ પર નાગપુર પોલીસે તપાસ બાદ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિને જવાબ મોકલ્યો છે. જેમાં પોલીસે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને ક્લિનચીટ આપી હતી. નાગપુર પોલીસે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે વીડિયોમાં જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે ધર્મના પ્રચાર-પ્રસાર સાથે જોડાયેલી સામગ્રી છે, તેમાં અંધવિશ્વાસ જેવી કોઈ વસ્તુ નથી.
શું છે આખો કેસ?
બાગેશ્વર ધામ મધ્યપ્રદેશના છતરપુરમાં આવેલું છે. અહીં મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીએ ‘દિવ્ય ચમત્કારી દરબાર’ની સ્થાપના કરી હતી. અહીં તેઓ દાવો કરે છે કે તેઓ તમારા વિશે બધું જ જાણે છે. ત્યાં આવતા લોકો પોતાની સમસ્યાઓ સ્લિપમાં લખે છે અને ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાની સમસ્યા તેમને કહ્યા વગર પોતાની સ્લિપમાં લખી દે છે.
કમિટીએ શું આક્ષેપો કર્યા હતા?
અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિના અધ્યક્ષ શ્યામ માનવે જણાવ્યું હતું કે, “ધીરેન્દ્ર શાસ્ત્રી ‘દિવ્ય દરબાર’ અને ‘પ્રતીક દરબાર’ની આડમાં ‘મેલીવિદ્યા’ને પ્રોત્સાહન આપે છે. તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રી પર લૂંટફાટ, છેતરપિંડી અને સામાન્ય લોકોનું શોષણ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. અંધશ્રદ્ધ નિર્મૂલન સમિતિએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ પડકાર ફેંક્યો હતો કે જો તેઓ તેમની વચ્ચે દિવ્ય દરબાર સ્થાપે અને ચમત્કાર કરે તો તેઓ તેમને 30 લાખ રૂપિયા આપશે. સમિતિનું કહેવું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ ‘દિવ્ય દરબાર’ નામથી યોજેલી બેઠકમાં બે કાયદાનો ભંગ થાય છે. પહેલો મહારાષ્ટ્રનો 2013નો મેલીવિદ્યા વિરોધી કાયદો છે અને બીજો 1954નો ડ્રગ્સ એન્ડ રેમેડીઝ એક્ટ છે. જોકે આ આરોપો પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે, તેઓ કોઈ અંધવિશ્વાસ ફેલાવી રહ્યા નથી કે કોઈની સમસ્યા દૂર કરી રહ્યા નથી.