રિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન ઓફ રાજકોટ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત
સ્વચ્છતા, પીવાના પાણી અને બેસવાની વ્યવસ્થાનો અભાવ, શૈચાલય અને ફિલ્ટર પાસે ગંદકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરની વિવિધ સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં રોજ આશરે એક હજારથી પણ વધુ નાગરીકો દસ્તાવેજી કામગીરી માટે મુલાકાત લેતા હોય છે. ખુબ જ મહત્વની સરકારી કચેરીઓમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓ જેવી કે, સ્વચ્છ શૌચાલય, પિવાનું શુધ્ધ પાણી, સીનીયર સીટીઝનો તેમજ મહિલાઓ માટે વેઇટીંગ એરિયા અને મુલાકાતે આવતા અરજદારો તેમજ નાગરીકો માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થાની ખુબ જ અછત છે. ત્યારે આ મુદ્દે તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. રિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન ઓફ રાજકોટ દ્વારા જિલ્લા કલેક્ટરને શહેરની વિવિધ સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં અરજદારો, નાગરીકો અને રિયલ એસ્ટેટ એજન્ટોને અનેક સુવિધાના અભાવે મુશ્કેલી થઇ રહી હોવાની લેખીતમાં રજૂઆત કરી હતી. જેમાં મહિલાઓ માટે અલગ અને સ્વચ્છ શૌચાલયની અછત, પીવાના પાણીની સુવિધાનો અભાવ, પાણીના ફિલ્ટર જ્યાં મૂક્યા છે ત્યાં યોગ્ય સફાઇના અભાવે ગંદકી જોવા મળી રહે છે, સ્વચ્છ વેઇટીંગ એરીયા, નાગરીકો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા પણ નથી. આ ઉપરાંત પાર્કિગ એરીયામાં એકપણ સિક્યુરીટી ગાર્ડ નથી જેના કારણે પાર્કિંગ એરીયામાંથી વારંવાર નાની મોટી ચોરી થવાના બનાવો બને છે. સૌથી મહત્વનું કે અગ્નિ સુરક્ષા માટે ફાયર સેફટીના સાધનો પણ કચેરીમાં ઉપલ્બધ નથી. આ ગંભીર સમસ્યાઓથી સામાન્ય નાગરીક અને એજન્ટોને રોજ હેરાનગતિ ભોગવવી પડે છે. ત્યારે સબ-રજીસ્ટ્રાર જેવી મહત્વની સરકારી સેવાઓ માટે યોગ્ય સુવિધા પૂરી પાડવા રજૂઆત કરાઇ છે. રિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન ઓફ રાજકોટના પ્રમુખ અતુલ રાચ્છ, સેક્રેટરી પરેશ રૂપારેલીયા, ઉપપ્રમુખ અમીત વાગડીયા અને જોઇન્ટ સેક્રેટરી પરાગ ચગ સહિતના સભ્યોએ રાજકોટના જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી યોગ્ય કાર્યવાની માગ કરી છે.
સુવિધાની અછત અંગે તાત્કાલીક પગલાં લેવા રજૂઆત
1. શૌચાલયની અછત અને ગંદકી : રાજકોટ શહેરની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરવી ખાસ કરીને મહિલાઓ માટે સ્વચ્છ અને અલગ શૌચાલયની સુવિધા હોવી અત્યંત જરૂરી છે. હાલ ઉપલબ્ધ નથી તેમજ જે કચેરીઓમાં વર્ષો જુના શૌચાલય છે તે ખુબ જ જર્જરીત હાલત તેમજ સુવિધાઓ વગરના છે, અને ત્યાં એટલી ગંદકી છે કે તેનો ઉપયોગ કરી શકાય તેમ નથી. ઝોન-2 અને ઝોન-8ના શૌચાલય નવા છે પરંતુ ખુબ જ ગંદકી જોવા મળે છે. તેનો ઉપયોગ કરવો અશકય છે.
2. પિવાનું પાણી : સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં શુધ્ધ પીવાના પાણીની કોઇ ચોકકસ વ્યવસ્થા જ નથી અને છે ત્યાં મેઇન્ટેનન્સનો અભાવ તેમજ ગંદકી જોવા મળે છે.
3.વેઇટીંગ એરિયા તેમજ બેઠક વ્યવસ્થા : સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં રોજ અસંખ્ય લોકો દસ્તાવેજી કામકાજ માટે આવતા હોય છે ત્યારે તેમાં વડિલ નાગરિકો તેમજ મહિલાઓ પણ હોય છે. જે લાંબા સમય સુધી ઉભા રહી શકતા નથી. તેથી બેસવાની વ્યવસ્થા અને વેઇટીંગ એરિયાની સુવિધાઓ કરવામાં આવે. તેમજ જયા વર્ષો જુની બેઠક વ્યવસ્થા છે તેમાં નવીનીકરણ કરી યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે.
4.પાર્કિંગ તેમજ સિકયુરીટી ગાર્ડ : સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં પાર્કિંગ માટે જગ્યાની અનિયમીતતા અને સિકયોરીટી ગાર્ડ ન હોવાથી વાહન અવ્યવસ્થિત હોય છે. આ સુવિધાથી તે યોગ્ય કરવામાં આવે તે ખૂબ જ આવશ્યક છે.
5. ફાયર સેફટી : સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજો અને રેકોર્ડસ ખૂબ મોટી સંખ્યામાં રાખવામાં આવે છે. આ બધા દસ્તાવેજો અત્યંત મહત્વપુર્ણ અને કાયદેસર ઉપયોગમાં આવતા હોય છે. તેથી દરેક સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં ફાયર સેફટીના સાધનો, ફાયર એલાર્મ અને ઇમરજન્સી એકઝીટની વ્યવસ્થા હોવી અનિવાર્ય છે.
રાજકોટ એરપોર્ટને વિજયભાઇ રૂપાણી એરપોર્ટ તરીકે નામકરણ કરવા માગ
શહેરના ઇન્ફ્રાસ્ટ્રકચરને સર્વાગી વિકાસ માટે અનન્ય યોગદાન આપનાર સ્વ.વિજયભાઇ રૂપાણીના નામે હિરાસર ગામે આવેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને નામાંકિત કરવામાં આવે તેવી રિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન ઓફ રાજકોટ દ્વારા માગ કરવામાં આવી છે. સ્વ.વિજયભાઇ રૂપાણીના નામે વિમાનમથકને નામાંકિત કરવું એ સમગ્ર રાજકોટ શહેર માટે ગૌરવની વાત થશે.
- Advertisement -