કાર્તિક મહેતા
ગુજરાતીમાં જરા વધુ પાવરફુલ હોય, જોરાવકો હોય , લોંઠકો હોય એવા માણસને માથાભારે માણસ કહેવાય છે. હિંસક શિકારી પશુઓની ખોપરી પણ શાકાહારી પશુઓ કરતા મોટી હોય છે. સિંહને એટલે તો ડાલામથ્થો કહેવાય છે કેમકે એવડું મોટું એનું માથું હોય છે. ન્યુરોલોજીના સંશોધકોએ એક પ્રયોગ દરમિયાન શોધી કાઢ્યું કે કટ્ટર અને અતિવાદી માનસિકતા ધરાવતા લોકોના મગજમાં એમીગ્ડાલા કહેવાતો ભાગ સામાન્ય કરતા ઘણો મોટો હોય છે. મગજનો આ ભાગ લોકોમાં ભય, ઉદ્વેગ, દ્વેષ, ઘૃણા જેવા ભાવોને નિયંત્રિત કરતો હોય છે. આ પ્રયોગ દરમિયાન લોકોના એક સમૂહને બે વિડીયો બતાવાવમાં આવ્યા. એક વિડીયો હતો કોફીના દાણા પીસાતા હોય એનો અને બીજો વિડીયો હતો ઘરવિહોણા ગરીબ લોકોની વ્યથાકથાનો. આ બેય વીડિયોમાં જે કોફોઇના દાણા વાળો વિડીયો હતો એને જોઈને તમામ લોકોના રિસ્પોન્સ લગભગ સરખા હતા. પણ જે વીડિયોમાં ઘરવિહોણા લોકોની ઉપર ડોક્યુમેન્ટરી હતી તે જોઈને સમૂહના અમુક લોકોના હૃદયની ગતિ વધી ગઈ , એમને થોડો પરસેવો વળ્યો. કેમકે એ લોકોને આ ગરીબ લોકોની વ્યથા અકળાવી ગઈ હતી પણ અમુક એવા લોકો હતા કે જેમને આ ગરીબ લોકોની વ્યથા અને પીડા જોઈને કશો ફેર પડ્યો નહી. એમનો રિસ્પોન્સ એવો જ હતો જેવો કોફીના દાણા પીસાવાનો વિડીયો જોતી વખતે હતો. સંશોધકોને અભ્યાસ કરતા માલુમ પડ્યું કે જે લોકોને ઘરવિહોણા ગરીબ લોકો માટે કોઈ અનુકંપા થઇ નહોતી તે બધા કટ્ટર અને રૂઢિવાદી વિચારધારા ધરાવતા માણસો (!!!) હતા. આ બધા એવા લોકો હતા જેમને મન જગતમાં આર્થિક ઊંચનીચ હોવી સામાન્ય હતું, એમને મન ગરીબોની પીડાની કોઈ વેલ્યુ નહોતી અને ગરીબોની પીડાને તેઓ નોર્મલ સમજતા હતા. કોઈ ક્રિએટિવ, સર્જક વૃત્તિ ધરાવતો માણસ ક્યારેય કટ્ટર નહિ જોવા મળે.કેમકે કટ્ટરતા માણસને કુંઠિત કરી નાખે છે. એટલે કટ્ટર વિચારધારા ધરાવતા લોકોમાં કલાકારો, સર્જકો, સાહસિકો અને વિજ્ઞાનીઓ ઓછા જોવા મળે છે. ડોક્ટર લિયોર ઝમીગોર્ડ નામની એક યુવાન ન્યુરોલોજીસ્ટ છે.
- Advertisement -
જેણે કટ્ટર અને ઉદાર એમ બેય લોકોના મગજનો ન્યુરોલોજીકલ દ્રષ્ટિએ અભ્યાસ કર્યો છે. એ કહે છે કે માણસના મગજને સતત કોઈ આઇડીયોલોજી એટલે કે વિચારધારાની જરૂર પડે છે, મોટાભાગના લોકો આવી વિચારધારામાં માનવા લાગે છે કેમકે આવી રીતે કોઈ ચોક્કસ વિચારધારામાં માનવાથી એને પોતાના મગજને બહુ શ્રમ દેવો પડતો નથી. વિચારધારા એને શું પહેરવું, શું ખાવું, કોની સાથે રહેવું, કોની સાથે વ્યવહાર કરવો , વગેરે જેવા અનેક પ્રશ્નોના રેડીમેડ જવાબો આપી દે છે , એટલે એણે આ બાબતે મગજને કષ્ટ દેવું પડતું નથી,પરંતુ ક્યારે આ વિચારધારા એના મષ્તિષ્ક ઉપર સવાર થઇ જાય છે એની એને પોતાને ખબર રહેતી નથી. કોઈપણ વિચારધારામાં સ્પષ્ટ પણે નહિ માનતા લોકો એકદમ ઉદાર, ફ્લેક્સીબલ અને સર્જનશીલ સફળ લોકો હોય છે. એમના ઉપર વિશ્વાસ કરી શકાય એવા લોકો હોય છે. રોબર્ટ જે લિફટન નામનો એક જબરદસ્ત મનોચિકિત્સક છે (હમણાં શતાયુ પૂર્ણ કરશે) . એણે પણ કટ્ટરતા ઉપર, કટ્ટરવાદ ઉપર ઘણું સંશોધન કરેલું છે. કટ્ટર લોકોના મગજ અને શરીર બેય નોર્મલ લોકો કરતા અલગ રીતે કામ કરવા લાગે છે. કેમકે એમની વિચારશક્તિ કુંઠિત થઇ જાય છે. રોબર્ટ લિફ્ટને લગભગ 1980માં એક પુસ્તક લખેલી જેનું નામ હતું : કલ્ટ ફોર્મેશન. કલ્ટ એટલે સંપ્રદાય. દરેક ધર્મમાં સંપ્રદાયો છે. પરંતુ અમુક સંપ્રદાયો ખુબ વિચિત્ર અને ભયાનક પણ છે, વળી અમુક સંપ્રદાયો લોકોની ચોક્કસ કટ્ટર વિચારધારાને કારણે નિર્માણ પામેલા છે. કલ્ટને નામે લોકો સાવ કપોલ કલ્પિત વાતોને પણ સાચી માની લેતા હોય છે. થોડા વરસો પહેલા દિલ્હીમાં એક ધનવાન કુટુંબના દસ બાર લોકોએ એકસાથે આત્મહત્યા કરી હતી કેમકે તેઓ કોઈ ચોક્કસ વિચારધારામાં કટ્ટર રીતે માનતા હતા. લોકોના મગજ સામાન્ય રીતે કટ્ટર હોતા નથી. દરેક માણસમાં એક ઉદાર, સર્જનશીલ, બુદ્ધિમાન અને લાગણીશીલ જીવ વસેલો હોય છે. જેમણે ખુબ ઓરવાસ કર્યો હોય એમને આ વાતનો અનુભવ પણ થયો હોય છે કે જગતમાં નોર્મલ રીતે માણસો બહુ પોઝિટિવ હોય છે. તો લોકો કટ્ટર કેમ બને છે?
એ પ્રશ્ન થાય. કેમ લોકો ધર્મને નામે અનેક લોકોની હત્યા કરી શકે છે? કેમ કોઈ કલ્ટમાં માનતા લોકો સાવ મનઘડંત વાતોમાં માનીને દુરાચારોનો ભોગ બનતા હોય છે?? લોકોને કટ્ટર કોણ બનાવે છે? રોબર્ટ લિફટન પોતાની પુસ્તકમાં આ સવાલનો બહુ વિશદ જવાબ આપે છે. લિફટન માંડીને વાત કરે છે કે કોઈ પણ માણસ કે એના સમૂહને કટ્ટર બનાવવાનું કામ યોજનાબદ્ધ રીતે કરવામાં આવે છે. સહુથી પહેલા એક પ્રભાવશાળી અને બોલવામાં ચબરાક વ્યક્તિને મસીહા કે સંત કે ઉદ્ધારક તરીકે રજુ કરવામાં આવે છે. બીજા પગલામાં આવા વ્યક્તિનો ભરપૂર પ્રચાર કરીને લોકોને આકર્ષવામાં આવે છે. એમાંથી એવા લોકો પણ તૈયાર કરવામાં આવે છે જે આ મસીહા વ્યક્તિ માટે હિંસક પણ થઇ શકે અને પોતાનો જીવ પણ ન્યોછાવર કરી શકે. છેવટે એક ચેઇન રિએક્શન થાય છે જેને કારણે અનેક લોકો આ મસીહા પ્રત્યે આકર્ષાય છે. મસીહા એના અનુયાયીઓનું સામાજિક કે શારીરિક કે આર્થિક શોષણ કરે છે. મસીહાના હિસાબો ગુપ્ત હોય છે. એને મળતી આવકો અને એની જાવકો કોઈને ખબર પડે નહિ એનું ધ્યાન રખાય છે. ધીમે ધીમે આ મસીહા એટલું મોટું કદ મેળવી લે છે કે એને કાયદો પણ હાથ અડાડતા વિચાર કરે. આવી રીતે અનેક કલ્ટ અને અનેક કટ્ટર વિચારધારાઓ નિર્માણ પામે છે. બધા સામાજિક સંગઠન ખરાબ નથી હોતા પણ જેઓ છે એમની કામ કરવાની શૈલી આવી હોય છે અને એમનો ધ્યેય સમાજને સતત વધુને વધુ કટ્ટરતા તરફ ધકેલવાનો હોય છે. કટ્ટરતા એક રોગ છે. જે ઘણીવાર ચેપી પણ હોય છે. કટ્ટર માણસને સુધારવા કરતા એનાથી અંતર કરવું વધુ સલામત અને ડહાપણભર્યું હોય છે.