યુવતીએ વીડિયો વાઇરલની ધમકી આપી 64 હજાર પડાવ્યા
સોશિયલ મીડિયા એપના લીધે લોકોનું કામ સરળ બન્યું છે પરંતુ તેને લઈને કેટલાક લોકો મુશ્કેલીમાં પણ મુકાઈ જાય છે. ત્યારે એક કિસ્સો રાજકોટમાં એવો બન્યો છે જેમાં એક યુવતીએ વીડિયો કોલ કરી ફેક ન્યૂડ થઈ બાદમાં બ્લેકમેલ કરી પૈસા પડાવી લીધાની ઘટના સામે આવી છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આવી જ એક ઘટનામાં ફેક ન્યૂડ કોલના માધ્યમથી બ્લેકમેલિંગમાં યુવકે ગુમાવેલા 64,500 રૂપિયા પરત અપાવ્યા છે. યુવતીએ વોટ્સએપ પર વીડિયો કોલ કરી ન્યૂડ થઈ રેકોર્ડિંગ કર્યું હતું. બાદમાં રેકોર્ડિંગ યુટ્યુબ પર વાઇરલ કરવાની ધમકી આપી 64,500 રૂપિયા પડાવ્યા હતા. રાજકોટ શહેરના વાણિયાવાડી વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવાને રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, વોટ્સએપમાં કોઈ અજાણ્યા નંબર પરથી તેને વીડિયો કોલ આવ્યો હતો, જે રિસીવ કરતા કોઈ અજાણી યુવતી નગ્ન અવસ્થામાં હતી અને તેને સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. બાદમાં બીજા અજાણ્યા વ્યક્તિ દ્વારા કોલ કરી નગ્ન વીડિયો યુટ્યુબમાં વાઇરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી રૂ.64,500 પડાવી લઈ છેતરપિંડી કરવામાં આવી હતી.