આયુષ ઇલાજ માટે વીમાનો વ્યાપ વધશે-કેશલેસ સુવિધાનો લાભ : કંપનીઓ અને મંત્રાલય વચ્ચે ચર્ચાઓ અંતિમ તબકકામાં
પરંપરાગત સારવાર પધ્ધતિ એટલે કે આયુષ થેરેપીમાં વીમાની મર્યાદા હોવાના કારણે તેના પ્રચાર અને પ્રસારમાં અવરોધ આવે છે. તેનો રસ્તો કાઢવા માટે આયુષ મંત્રાલય અને વીમા કંપનીઓ સાથે મળીને વીમા યોજનાઓનો વિસ્તાર વધારવા માટે ઝડપથી કામ કરવા લાગ્યા છે. આ કાર્યવાહી સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે વીમા યોજનાનો વ્યાપ વધારવા માટે આયુષના વધુમાં વધુ પેકેજમાં કેશલેસ સારવારની સુવિધા મળવા લાગશે. સાથે જ આયુષ સારવારને વડાપ્રધાન જનઆરોગ્ય યોજનામાં સામેલ કરવાનું કામ પણ અંતિમ ચરણમાં ચાલી રહ્યું છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, આયુષ સારવારને સ્વાસ્થ્ય વીમા કવર અંતર્ગત લાવવા માટે તાજેતરમાં એક બેઠક મળી હતી. તેમાં ઇરડાના વીમા નિયામક આયુષ હોસ્પિટલો, વીમા ક્ષેત્રના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આયુષ ક્ષેત્રમાં વીમા કવરેજ વધારવા અને સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટના ધોરણો નકકી કરવા પર ચર્ચા થઇ હતી. હાલ 10 ટકા દાવા જ કેશલેસ હોય છે. સામાન્ય રીતે વીમા કંપનીઓ ઓપરેશન અને ઇમરજન્સી ઉપચાર માટે વીમાનો આગ્રહ રાખે છે. આયુર્વેદમાં વધુમાં વધુ દર્દીઓ ઓપરેશનના બદલે લાંબા ઇલાજની જરૂરીયાતવાળા હોય છે. વીમા કંપનીઓ અવારનવાર યોગ્ય ધોરણો નહીં હોવાની વાત કરીને વીમા કવચ આપતી નથી. આ અંગે પણ બેઠકમાં ચર્ચા થઇ હતી.
એલોપેથી અથવા સર્જરીમાં કેશલેસ વીમાની સુવિધા સતત વધતી જાય છે. જેનાથી દર્દીઓ એ તરફ વળે છે. અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનના નિર્દેશકે કહ્યું કે ટીપીએ નેટવર્ક મારફત આયુષ થેરેપી માટે કેશલેસ સારવારનો વિસ્તાર વધારવા પ્રયાસ ચાલે છે. હાલ આવા કેસ માત્ર 10-12 ટકા હોય છે. હવે વીમા કંપનીઓનું વલણ પણ હકારાત્મક છે. પૂરા દેશમાં આયુષ હેઠળની સારવાર અલગ અલગ છે. આથી પણ વીમા કંપનીઓ દાવામાં દ્વિધા અનુભવે છે. જે સમસ્યા ઉકેલવા આયુષ હોસ્પિટલોનો રેકોર્ડ બનાવવામાં આવી રહ્યો છે. તેમાં જોડાવવા માટે હોસ્પિટલોએ મંત્રાલયના ધોરણોનું પાલન કરવું પડશે. વીમા કંપનીઓ પાસે પણ સમીક્ષા કરાવાઇ રહી છે.
હાલ માત્ર 300 પેકેજ સામેલ
- Advertisement -
છેલ્લી બેઠક બાદ આયુષ મંત્રાલયના અધિકારીએ કહ્યું હતું કે હાલ આયુષ ઉપચારના લગભગ 300 પેકેજ વીમા કવરમાં આવે છે. પરંતુ ઘણા મોંઘા ઉપચારને વીમા રક્ષક આપવા માટે કંપનીઓ સાથે વાતચીત ચાલે છે. તેનાથી આ થેરેપી લોકો માટે ઉપયોગી પણ બનશે. આયુષ ઉપચારની લોકપ્રિયતા જોતા દરેક લોકો માટે અનુકુળ બનાવવું જરૂરી છે. આયુર્વેદિક પધ્ધતિમાં વીમાની માંગ ખુબ વધી છે અને છેલ્લા પાંચ વર્ષમાં કલેઇમની સંખ્યા પણ છ ગણી થઇ ગઇ છે.