પાંચ વર્ષથી અટકેલા ગુંડા એક્ટમાં સુધારો થશે
વિધાનસભામાં સુધારા બિલ લાવવાની તૈયારી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતમાં સંગઠિત ગુનાખોરી સામે કડક કાર્યવાહી માટે બનાવવામાં આવેલા ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ) કાયદામાં રાજ્ય સરકાર મહત્વપૂર્ણ ફેરફાર કરવાની તૈયારીમાં છે. જેમાં મળતી વિગત મુજબ, સરકાર ગુજસીટોકમાં સુધારા સાથે ‘આતંકવાદ’ શબ્દ હટાવી શકે છે અને કેટલીક કલમોમાં ફેરફાર સાથે વિધાનસભામાં સુધારા વિધેયક લાવવાની તૈયારીમાં છે.
ગુજરાત સરકારે રાજ્યના કેટલાક કાયદાઓમાં સુધારા કરવાની તૈયારી શરૂ કરી છે. વર્ષ 2020માં ગુજરાત વિધાનસભાએ ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ (નિવારણ) વિધેયક પસાર કર્યો હતો, પરંતુ તે કાયદો હજુ સુધી અમલમાં આવ્યો નથી. આ વિધેયક રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલાયો હતો અને છેલ્લા પાંચ વર્ષથી મંજૂરી પ્રક્રિયા અટકી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિધેયકમાં રહેલી કેટલીક જોગવાઈઓ અંગે સૂચનો આપ્યા હતા. તેમાં કેટલાક ગુનાઓ માટે કેન્દ્રીય કાયદાઓમાં પહેલેથી જ કડક જોગવાઈઓ હોવાની નોંધ લેવામાં આવી હતી. તેથી હવે રાજ્ય સરકાર આ કાયદામાં જરૂરી ફેરફારો કરીને વિધાનસભાના આગામી સત્રમાં સુધારા વિધેયક રજૂ કરવાની તૈયારી કરી રહી છે. સુધારામાં ગુંડા એક્ટ હેઠળ મિલકત જપ્તી જેવી કેટલીક જોગવાઈઓમાં ફેરફાર થવાની શક્યતા છે. લગભગ પાંચ વર્ષ પહેલાં રાજ્ય વિધાનસભાએ આ કાયદો પસાર કર્યો હતો, પરંતુ તે હજુ સુધી અમલમાં આવ્યો નથી. હવે સરકાર તેમાં કેટલાક સુધારા કરી તેને ફરીથી અમલમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. માહિતી મુજબ, કાયદામાં સમાવાયેલ ‘આતંકવાદ’ શબ્દ દૂર કરવાની ચર્ચા ચાલી રહી છે. કેન્દ્ર સરકાર અને સંબંધિત એજન્સીઓ સાથે થયેલી ચર્ચાઓ બાદ આ શબ્દ કાયદામાંથી કાઢી નાખવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ સુધારા થવાથી કાયદો વધુ સ્પષ્ટ અને અમલમાં સરળ બનશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં ગુજરાત વિધાનસભાએ આ કાયદો પસાર કર્યો હતો અને ત્યારબાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. લાંબા સમયથી કાયદાનો અમલ ન થતા હવે રાજ્ય સરકાર તેમાં જરૂરી સુધારા કરીને ફરીથી વિધાનસભામાં સુધારા વિધેયક લાવવાની તૈયારીમાં છે. સરકાર આવનારા વિધાનસભા સત્રમાં આ સુધારા રજૂ કરી શકે છે. જો આ સુધારા મંજૂર થાય તો રાજ્યમાં સંગઠિત ગુનાખોરી સામે કાર્યવાહી માટેનો કાયદો વધુ અસરકારક બનવાની સંભાવના છે.
કેટલીક કલમોમાં ફેરફાર કરવાની ચર્ચા ચાલી રહી
- Advertisement -
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજસીટોક કાયદામાં ગેંગ દ્વારા થતા ગંભીર ગુનાઓ, ખંડણી, ગેંગવોર, હથિયારોના ગેરકાયદેસર વેપાર તેમજ સંગઠિત ગુનાખોરી સામે વધુ કડક કાર્યવાહી શક્ય બને તે માટે કાયદાકીય જોગવાઈઓ મજબૂત કરવામાં આવશે. તપાસ એજન્સીઓને પણ આવા કેસોમાં વધુ સત્તા મળે તે માટે કેટલીક કલમોમાં ફેરફાર કરવાની ચર્ચા ચાલી રહી છે.



