ચુંટણી વિશેષજ્ઞો કહે છે- ચૂંટણી પંચ પાસે 6 મહિનામાં ચૂંટણી કરાવવાનો વિકલ્પ હોય છે, ફેબ્રુઆરી – માર્ચ યોગ્ય સમય : ચૂંટણી માટે હવામાનની સ્થિતિઓને ધ્યાનમાં રાખવી જરૂરી બનશે
ગરમીએ મતદાન પર અસર કરી છે ત્યારે…
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.8
ભીષણ ગરમીની વચ્ચે ગઈકાલે લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણનું મતદાન સંપન્ન થયું, પણ ગરમી જે પ્રકારે વધી રહી છે અને લૂના કારણે અનેક રાજયોમાં મતદાન ઘટ્યું હતું, જેને ધ્યાનમાં લઈને જલવાયુ વિશેષજ્ઞોનું માનવું છે કે આગામી લોકસભા ચૂંટણી ગરમીમાં યોજવી સરળ નહીં રહે.
પુર્વ ચૂંટણી પંચ પણ માને છે કે હવે એ સમય આવી ગયો છે કે સામાન્ય ચૂંટણીઓ એવી તારીખે યોજવામાં આવે જયારે હવામાન ગરમ ન હોય. પુર્વ ચુંટણી કમિશ્નર ઓ.પી.રાવત ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન વસંત ઋતુમાં ચૂંટણી સંપન્ન કરાવવા માટે સૌથી યોગ્ય માને છે.
- Advertisement -
જલવાયુ ક્ષેત્રમાં કાર્ય કરી રહેલ બિન સરકારી સંગઠન કલાયમેટ ટ્રેન્ડસ વધતી ગરમી અને ચૂંટણીને લઈને સોમવારે એક વિશ્લેષણ જાહેર કર્યું છે. જેમાં જણાવાયું છે કે એપ્રિલમાં ઉષ્ણ લહેર તેજ રહી જેનો 15 દિવસમાં વિસ્તાર થયો. દક્ષિણ ભારતમાં એપ્રિલમાં સૌથી ઓછો વરસાદ થયો. ઓરિસ્સામાં 18 દિવસ સુધી ઉષ્ણ લહેર ચાલી. હવામાન વિભાગ અગાઉથી જ જણાવી ચૂકયું છે કે ઉષ્ણ લહેરના દિવસોની સંખ્યા 4-8 દિવસની જગ્યાએ 10-12 દિવસ સુધી પહોંચી શકે છે. પણ વાસ્તવિક સ્થિતિ આથી પણ વધુ ગંભીર છે. દેશના અનેક ભાગોમાં અધિકતમ તાપમાન 40-45 ડિગ્રી વચ્ચે ચાલી રહ્યું છે, પણ અનેક ક્ષેત્રમાં તે 47 ડિગ્રી સુધી પહોંચી ચૂકયું છે. છેલ્લા 10 વર્ષ અત્યાર સુધીમાં સૌથી વધુ ગરમ રહ્યા: કલાઈમેટ ટ્રેન્ડસના અનુસાર 2014 અને 2019ની લોકસભા ચૂંટણી ભીષણ ગરમી દરમિયાન થઈ છે. કારણ કે 2014-2023ના 10 વર્ષ અત્યાર સુધીના સૌથી ગરમ વરસ રહ્યા છે.
2029ની ચૂંટણી ફેબ્રુઆરીમાં ઠરાવવાનો વિકલ્પ: કલાઈમેટ ટ્રેન્ડસના પુર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓ.પી.રાવતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પંચ પાસે લોકસભા ચૂંટણી કરાવવા માટે 17 ડિસેમ્બરથી 16 જૂન સુધીનો 6 મહિનાનો સમય હોય છે. તે ઈચ્છે તો 2029થી ઓકટોબર-નવેમ્બરમાં યોજાનાર રાજય વિધાનસભા ચૂંટણીઓમાં બે-ત્રણ મહિના મોડી કરી લોકસભા ચૂંટણીને વસંત ઋતુ દરમિયાન ફેબ્રુઆરી-માર્ચમાં કરાવી શકે છે.
હવામાનની સ્થિતિ ધ્યાનમાં રાખવી જરૂરી: પૂર્વ ચૂંટણી કમિશ્નર અશોક લ્વાસા કહે છે કે શરૂઆતમાં પહાડી રાજયોમાં સપ્ટેમ્બરમાં અને બાકી ભારતમાં ઓકટોબરમાં લોકસભા ચૂંટણી થતી હતી. તેઓએ કહ્યું હતું કે ચુંટણીપંચ હવામાનની સ્થિતિઓને હંમેશા ધ્યાનમાં રાખે છે તેમ છતાં તેમની પાસે 180 દિવસમાં કયારેય પણ ચૂંટણી કરાવવાનો વિકલ્પ મોજૂદ હોય છે. ફેબ્રુઆરી-માર્ચમાં જો કે પરીક્ષાઓનો સમય હોય છે, એટલે તે સરળ નહી હોય. પણ જો તાપમાન આવી રીતે વધતું રહ્યું તો પછી કોઈ વિકલ્પ અપનાવવો જ પડશે.