વરસાદના પગલે જિલ્લામાં અંદાજે 95 કરોડનું નુકશાન, શહેરમાં 5 કરોડનું નુકશાન
ખાસ-ખબર સંવાદદાતા
નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે સૌરાષ્ટ્રભરમાં વરસેલા ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત રાજકોટ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા અને અસરગ્રસ્તો સાથે સંવાદ કરી કુદરતી આપત્તિના આવા કપરા સમયમાં તેમના પડખે ઉભા રહી આશ્ર્વાસન આપ્યું હતું. ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં રોડ-રસ્તાઓ, ખેતરો સહિત અન્યમાં ભારે નુકસાન થવા પામ્યું છે જેની સર્વે કામગીરી શહેર ખાતે પૂર્ણ થઈ છે તો જિલ્લામાં કામગીરી ચાલુ છે. કરોડોના નુકસાનનો સર્વે કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લામાં અંદાજે કુલ 100 કરોડનું નુકશાન થયું હોવાના આંકડા બહાર આવ્યા છે. જેમાં રાજકોટમાં 5 અને જિલ્લામાં 95 કરોડનું નુકશાન થયું છે.
- Advertisement -
ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં મસમોટું નુકસાન થવા પામ્યું છે ત્યારે આ પુરપ્રકોપને કારણે એક જ દિવસમાં અંદાજે 400 કરોડનું નુકશાન થયું હોવાનો અંદાજ બહાર આવ્યો છે જેમાં જામનગર જિલ્લામાં ખેતીવાડીને સર્વાધિક 150 કરોડની નુકશાની સાથે જિલ્લામાં 250 કરોડનું નુકશાન થયું હોવાનું જાણવા મળે છે. અલબત સત્તાવાર સુત્રોએ નુકસાની પ્રાથમિક અંદાજ જાહેર કર્યો છે તેના કરતાં નુકસાની વધુ હોવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં મેઘતાંડવને લીધે જામનગર જિલ્લામાં ખેતીવાડીને 40થી 45 કરોડનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ માંડવામાં આવ્યો છે. અંદાજે 30થી 35 કરોડનાં નુકસાનનો અંદાજ છે. અલબત સરકારી તંત્રે 10થી 15 કરોડનું નુકસાનનો અંદાજ મુક્યો છે. વીજતંત્રને પારાવાર નુકસાની થઈ છે. મેઘતાંડવને લીધે જૂનાગઢ જિલ્લામાં પણ 30થી 40 કરોડની નુકસાની ખેતીવાડી રસ્તાઓ સહિત કુલ 30થી 40 કરોડની નુકસાનીનો અંદાજ મુકવામાં આવ્યો છે.



