ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23
આતંકવાદીઓએ હુમલો કર્યો હતો ત્યારે પહલગામમાં મહારાષ્ટ્રના 11 ટૂરિસ્ટ હોવાનું જાણવા મળ્યું હતું. એમાંથી દિલીપ ડિસલે, હેમંત જોશી, સંજય લેલે અને અતુલ મોને નામના ટૂરિસ્ટનાં મળત્યુ થયાં હતાં, જ્યારે માણિક પાટીલ, એસ ભાલચંદ્ર, આસાવરી જગદાળે, પ્રગતિ જગદાળે, સંતોષ જગદાળે, કૌસ્તુભ ગાબોટે અને સંગીતા ગાબોટેને ઈજા પહોંચી છે. હેમંત જોશી, સંજય લેલે અને અતુલ મોને ડોમ્બિવલીના નવા પાડા, પાંડુરંગવાડી અને નાંદિવલીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.
ગોળીબારમાં બચી ગયેલી પુણેની ટૂરિસ્ટ આસાવરી જગદાળેએ કહ્યું હતું કે ‘તેઓ ઘોડા પાસે હતાં ત્યારે બે લોકો આર્મીનો યુનિફોર્મ પહેરીને અમારી પાસે આવ્યા હતા. તેમાંના એકે મારા પિતાને અઝાન પઢવાનું કહ્યું હતું. અમે હિન્દુ છીએ એટલે પિતા અઝાન નહોતા પઢી શકયા. અમે મુસ્લિમ ન હોવાનું જાણ્યા બાદ અમારા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અમને બધાને ગોળીઓ વાગી હતી, પરંતુ જીવ બચી ગયા છે. ગોળીબાર કરનારા આતંકવાદીએ કહ્યું હતું કે અમે સ્ત્રીઓને કંઈ કરતા નથી એમ છતાં તમે અમારી બદનામી કરી છે, અમારા ધર્મને તમે કલંક લગાવ્યું છે, મોદીને તમે માથા પર ચડાવ્યા છે.’
મહારાષ્ટ્રના પુણેના કર્વેનગરમાં રહેતા એક પરિવારના પાંચ લોકો પહલગામના મિની સ્વિટ્ઝરલેન્ડ તરીકે ઓળખાતા સ્થળે કાશ્મીરી કપડાંમાં ફોટો પડાવતા હતા ત્યારે આર્મીના યુનિફોર્મમાં કેટલાક આતંકવાદી આવી પહોંચ્યા હતા. તેમણે બધાનાં નામ પૂછયાં હતાં. ટૂરિસ્ટ મુસ્લિમ ન હોવાનું જાણ્યા બાદ તેમણે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આતંકવાદી હુમલામાં કર્ણાટકના રહેવાસી મંજુનાથનું મળત્યુ થયું છે. તેની પત્ની પલ્લવીએ કહ્યું હતું કે ‘હું, પતિ અને પુત્ર કાશ્મીર ફરવા આવ્યાં હતાં. બપોરે 1.30 વાગ્યે અમે પહલગામમાં હતાં ત્યારે ત્રણથી ચાર લોકોએ અમારા પર હુમલો કર્યો હતો. તેમણે મારી નજર સામે પતિને ગોળી મારી હતી, જેમાં તેમનું મળત્યુ થયું હતું. પતિને મારી નાખ્યા છે એટલે મને અને પુત્રને પણ ગોળી મારવાનું કહ્યું હતું ત્યારે એક આતંકવાદી બોલ્યો હતો, ‘હું તને નહીં મારું, જા મોદીને જઈને કહી દે.’
ઘણાબધા ટૂરિસ્ટ ઘોડા પર બેસીને જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબારમાં બચી ગયેલા ટૂરિસ્ટોના જણાવ્યા મુજબ આતંકવાદીઓએ વીસથી 25 મિનિટ સુધી એકથી બીજા સ્થળે જઈને ફાયરિંગ કર્યું હતું. ટૂરિસ્ટો જ્યાં હતા એ જગ્યા સાંકડી હોવાથી દૂર સુધી દોડવાનું મુશ્કેલ હતું. એટલે ગોળીથી બચવા માટે અનેક ટૂરિસ્ટો નદીમાં કૂદયા હતા.
આતંકવાદીઓએ હિન્દુઓને ટાર્ગેટ કર્યા હોવાનું જણાઈ આવ્યું છે.
‘અમે સ્ત્રીઓને કંઈ કરતા નથી એમ છતાં તમે અમારી બદનામી કરી છે, અમારા ધર્મને તમે કલંક લગાવ્યું છે, તને નહીં મારું જા, મોદીને જઈને કહી દે’
- Advertisement -
આતંકવાદીઓએ 20થી 25 મિનિટ સુધી એકથી બીજા સ્થળે જઈને ફાયરિંગ કર્યુ હતું
મસ્જિદોના લાઉડ સ્પીકરથી હુમલાની નિંદા કરાઇ
‘આંતકીઓ ઈસ્લામ અને કાશ્મીરિયતના દુશ્મન..’
- Advertisement -
આતંકી હુમલા બાદ શ્રીનગરની મસ્જિદોમાં એલાન થયું…
દક્ષિણ કાશ્મીરથી લઈને ઉત્તર કાશ્મીરમાં નિયંત્રણ રેખાને અડીને આવેલા નૌગામ (કુપવાડા) સુધી મંગળવારે સાંજે સ્થાનિક લોકો દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરતા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી.
શ્રીનગરની મસ્જિદોમાં બૈસારન હુમલાની નિંદાનું એલાન થયું અને કહ્યું કે, હુમલાખોરો ઈસ્લામ અને કાશ્મીરિયતના દુશ્મન છે. બૈસારન હુમલા બાદથી સમગ્ર ઘાટીના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પહેલગામના સ્થાનિક લોકોએ પીડિતો સાથે એકજૂટતા વ્યક્ત કરવા માટે સાંજે કેન્ડલ માર્ચ કાઢી હતી. યુવાનો, દુકાનદારો અને હોટલ માલિકોએ તેમાં ભાગ લીધો હતો. આ લોકો ’અમે શાંતિ માટે ઉભા છીએ’ અને ’પ્રવાસીઓ અમારા મહેમાનો છે’ લખેલા પોસ્ટર લઈને માર્ચમાં સામેલ થયા હતા. પુલવામા, બડગામ, શોપિયાં, શ્રીનગર ઉપરાંત સ્થાનિક લોકોએ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા, બાંદીપોરા અને કુપવાડામાં પણ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવારે સાંજે ઈશાની નમાજ સમયે ઘાટીની લગભગ દરેક મસ્જિદના લાઉડસ્પીકર પર બૈસારન હુમલાની નિંદાનું એલાન થયું હતું.
આ દરમિયાન લોકોને કાશ્મીરીયત અને ઈસ્લામના દુશ્મનોના આ નાપાક કૃત્ય સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે બૈસારનના શહીદો અને તેમના પરિવારો પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે બુધવારના કાશ્મીર બંધને સફળ બનાવવાનું કહેવામાં આવ્યું હતું.