સફેદ માટીના ખનનથી પ્રકૃતિ અને રાજ્ય સરકારની તિજોરીને નુકસાન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર ચાલતા ખનિજ ચોરીના ધંધા સામે તંત્રની કાર્યવાહીમાં ક્યાંકને ક્યાંક ઊણપ વર્તાઈ રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના જ મૂળી થાનગઢ અને ચોટીલામાં પ્રાંત અધિકારી તથા મામલતદારની ટીમનો સપાટો નજરે પડે છે તો ધ્રાંગધ્રા પંથકમાં ખનિજ માફીયાઓ સામે તંત્રની બેદરકારી પણ ઉડીને આખે વળગે છે. તેવામાં છેલ્લા દોઢેક મહિનાથી ચાલતા ધ્રાંગધ્રા તાલુકાના રામપરા ગામે સફેદ માટીના ખનન સામે તંત્રની ભૂમિકા શંકાસ્પદ નજરે પડે છે. રામપરા ગામના તળાવમાં રાત્રીના સમયે બે હિટાચી મશીનથી સફેદ માટીનું ખનન કરી ખનિજ માફીયાઓ આ સફેદ માટીને મોરબીના સિરામિક ઉધોગ સુધી પહોંચાડી રહ્યા છે. મુળી પંથકમાં ચોટીલા પ્રાંત અધિકારીની કડક કાર્યવાહીને લઈ હવે મૂળી તાલુકાના સરલા ગામના ખનિજ માફીયાઓ ધ્રાંગધ્રા તરફ વળ્યા છે અને રામપરા ગામે તળાવમાં છેલ્લા દોઢેક મહિનાથી ખનિજ ચોરી કરી રહ્યા છે જ્યારે આ અંગે કેટલાક જાગૃત નાગરિક દ્વારા તંત્રને જાણ કરી હોવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેવામાં સફેદ માટીનું ખનિજ ચોરી કરી દરરોજ લાખ્ખોની કમાણી કરતા ખનિજ માફિયાઓમાં તંત્રનો પણ હિસ્સો હોય તેવા આક્ષેપ સાથે તાત્કાલિક ધોરણે રામપરા ગામના તળાવમાં થતી કાફી માટીની ખનિજ ચોરી બંધ કરવા માંગ ઉઠી રહી છે.
રામપરા ગામે ચાલતી સફેદ માટીના ખાણનું લોકેશન
ધ્રાંગધ્રા તાલુકાના રામપરા ગામથી મૂળી તાલુકાના લીયા ગામ તરફ જવાના માર્ગે “જાપ” નામથી ઓળખાતી સીમમાં ‘બેરાળુ’ તળાવના કાંઠે સફેદ માટીનું ખનન ચાલી રહ્યું છે જોકે આ અંગે તંત્રના દરેક અધિકારીને જાણ હોવા છતાં તંત્રના અધિકારીઓને અંધાપો આવી ગયો છે.
- Advertisement -
જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી
રામપરા ગામે ચાલતા ગેરકાયદેસર સફેદ માટીના ખનનમાં તંત્રના જ કર્મચારી દરરોજના દસ હજાર રૂપિયા લઈ ખનિજ ચોરીને પ્રોત્સાહન આપતા હોવાથી હવે સ્થાનિક જાગૃત નાગરિકે એની કોઈ તંત્રને જાણ કરવા કરતા સીધા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.



