ભાજપ પ્રદેશ પ્રમુખે સ્ટેજ પરથી હાથ જોડી કાર્યકરોનું અભિવાદન ઝીલ્યુ અને સંબોધન કર્યું
રાજકોટ ક્યે એમ કરવું પડે, આજે વટ પાડી દીધો, રાજકોટનો પ્રેમ છલકાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારોહમાં 20 હજારથી વધુ કાર્યકર્તાઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો, જ્યાં બાઈક રેલીની આગેવાનીમાં જય શ્રી રામના નારા સાથે તેમને રેસકોર્સ સુધી લાવવામાં આવ્યા. પ્રદેશના બે પૂર્વ પ્રમુખ વચ્ચે બેઠેલા નવા પ્રદેશ પ્રમુખે સ્ટેજ પરથી હાથ જોડીને કાર્યકર્તાઓનું અભિવાદન સ્વીકારતા કહ્યું કે ’રાજકોટ ક્યે એમ કરવું પડે, આજે વટ પાડી દીધો’ અને રાજકોટના પ્રેમથી છલકાતા વાતાવરણમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ, સ્વદેશી અપીલ તથા વિકાસની વાતો કરીને સૌને પ્રેરિત કર્યા. સાંસદ પુરુષોત્તમ રૂપાલા સહિત વરિષ્ઠ નેતાઓ અને સંતોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમે પાર્ટીની એકતા અને રાજકોટના વિકાસ પ્રત્યેના ગર્વને ઉજાગર કર્યો.
કોંગ્રેસના સમયમાં ટ્રેન મારફત પાણી આવતું આજે વડાપ્રધાન મોદીના કારણે સૌની યોજના થકી આખા સૌરાષ્ટ્ર કચ્છ સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ નાની ઘટના નથી. એઇમ્સ હોસ્પિટલ અને ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ રાજકોટને મળી છે.
આપણે બધા ભાગ્યશાળી છીએ કારણ કે આપણે એ પાર્ટીના કાર્યકર્તા છીએ જેની કમાન હાલ વિશ્વના લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી સંભાળી રહ્યા છે. મારા જીવનની અંતિમ ક્ષણ સુધી અમૂલ્ય ઘરેણું હશે તો એ મારી સામે બેઠેલ ભગવાધારી કાર્યકર્તા હશે. મેક ઈન ઇન્ડિયા નારા સાથે ભારત તમામ વસ્તુ બનાવવા લાગ્યું છે. ભારતની અંદર કોઈપણ ડેવલોપમેન્ટ હોય એન્જીન બનાવવાનું હોય રાજકોટવાસીઓ બનાવી આપે. રાજકોટની કાર્ય કરવાની કુશળતા અલગ છે.
ડિફેન્સની મશીનરી અને એના પાર્ટ્સ રાજકોટમાં બને છે. કાર કોઈ પણ જગ્યાએ બને પરંતુ, તેના પાર્ટ્સ તો રાજકોટમાં જ બને એના પાર્ટ્સ વગર કાર અધૂરી કહેવાય. સૌરાષ્ટ્રમાં મીઠો આવકાર અને પ્રેમ મળે તેવો આખા દેશમાં ક્યાંય ન મળે. તમને બધાને મળીને મારી છાતી ગદગદ થાય છે. રાજકોટ નવી કોઈ વસ્તુ લાવે એ આખા ગુજરાતમાં પહોંચે. તહેવાર કેવી રીતે ઉજવાય એ રાજકોટ વાસીઓ બધાને શીખવે છે.
વિજયભાઈ રૂપાણીને યાદ કરતા કહ્યું કે, મને અમદાવાદ શહેર પ્રમુખની જવાબદારી આપી હતી તેમને હું આજે વંદન કરું છું. રાજકોટની જૂની વાતો અને સૌરાષ્ટ્રના રાજવીઓને યાદ કરવા જરૂરી છે. ગાંધીજીનો જન્મ ભલે પોરબંદરમાં
થયો પણ રાજકોટ સાથે તેમની યાદો જોડાયેલી છે.
દિવાળી પર્વની તૈયારી શરૂ થઇ ગઈ છે રાજકોટનો પ્રેમ આજે છલકાયો છે. રાજકોટ એ ગુજરાતનું ગ્રોથ એન્જીન છે. એટલે રાજકોટ માટે ગર્વ થાય.વેપારી હોય ઉદ્યોગપતિ હોય કે ખાણીપીણી ની વાત હોય રાજકોટના વખાણ જરૂર થાય.