ખાસ-ખબર સંવાદદાતા
આવકવેરા વિભાગ કરચોરી પકડવા માટે દરોડા અને શોધખોળ ચાલુ રાખે છે. સુપ્રીમ કોર્ટે આવી બાબતોને લઈને કરદાતાઓને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 153અ હેઠળ, જો સર્ચ દરમિયાન કોઈ નક્કર પુરાવા ન મળે તો કરદાતાની આવક વધારી શકાતી નથી.
માનવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટનો આ લેટેસ્ટ નિર્ણય કરદાતાઓને મોટી રાહત આપી શકે છે. આ સાથે એવી પણ અપેક્ષા છે કે આવા મામલામાં ટેક્સ વિભાગની મનમાની ઓછી થશે. જોકે, સુપ્રીમ કોર્ટે એ વિકલ્પ ખુલ્લો છોડી દીધો છે કે જો પાછળથી કોઈ નક્કર પુરાવા સામે આવે તો ટેક્સ વિભાગ ટેક્સ ચોરીનો કેસ ફરીથી ખોલી શકે છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આવકવેરા અધિનિયમની કલમ 153અ હેઠળ, આવકવેરા વિભાગ એવા કેસોને ફરીથી ખોલી શકે નહીં જેમાં આકારણી પૂર્ણ થઈ ગઈ હોય. આ સાથે, સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે જો સર્ચ અથવા જપ્તીની કાર્યવાહી દરમિયાન કોઈ નક્કર પુરાવા મળે તો જ પુન: આકારણીના આદેશો જારી કરી શકાય.
આમ કહીને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે.
જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. તેમણે કહ્યું કે રિ-એસેસમેન્ટ એક એવી પ્રક્રિયા છે, જેની કરદાતાઓ પર મોટી અસર પડે છે. ટેક્સ નિષ્ણાતોનું માનવું છે કે આનાથી કરદાતાઓને ઘણી રાહત મળશે. ઉપરાંત, આ નિર્ણયથી કર સત્તાવાળાઓ દ્વારા મનસ્વી પુન: આકારણીમાં ઘટાડો થવાની અપેક્ષા છે.
IT એક્ટને લઈને સુપ્રીમે કરદાતાઓને અઢળક રાહત આપી
