વાડલા ગીર ગામના યુવા સરપંચ ધવલભાઈ કોટડીયાએ માર્ગ અને મકાન વિભાગને પત્ર લખી રજુઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકાના છેવાડાના મંડોરણા ગીર થી હડમતીયા ગીર બે ગામને જોડતો માર્ગ સંપૂર્ણ બિસ્માર હાલતમાં હોય બંને ગામની ગ્રામીણ પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે.. સત્તાવાળાઓ બિસ્માર માર્ગની તુરંત મરામત કરાવી ગ્રામીણ પ્રજાને પડતી મુશ્કેલી દૂર કરે તેવી પ્રબળ માંગણી ઉઠી છે.
- Advertisement -
માર્ગ અને મકાન વિભાગના સચિવ ને પાઠવેલ પત્રમાં વાડલા ગીર ગામના યુવા સરપંચ ધવલભાઈ કોટડીયા એ જણાવેલ વિગત પ્રમાણે ગીરના જંગલની બોર્ડર ઉપર આવેલ મંડોરણા ગીર ગામેથી હડમતીયા ગીર બે ગામને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે.આ માર્ગ ઉપર ઠેર ઠેર ભયજનક ખાડા પડી ગયા હોય માર્ગ ઉપરથી પસાર થવું કઠીન બની ગયું છે.આ માર્ગ ઉપરથી બંને ગામની ગ્રામીણ પ્રજા અવરજવર કરતી હોય મસમોટા ખાડા ને લીધે અકસ્માત થવાની ભીતી વ્યક્ત થઈ રહી છે.બે ગામને જોડતો માર્ગ ગ્રામીણ પ્રજા તથા ખેડૂતો માટે અતિ ઉપયોગી અને આશિર્વાદરૂપ છે.તાલાલા પંથકના છેવાડાના બંને ગામોની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતો માટે આફતરૂપ આ માર્ગની તુરંત મરામત કરવી ખુબ જ જરૂરી છે.આ અંગે ત્વરિત તપાસ કરાવી બિસ્માર માર્ગની તુરંત મરામત કરાવી બંને ગામ ની હાલાકી નું સુખરૂપ નિવારણ લાવવા પત્રના અંતમા વાડલા ગીર ગામના યુવા સરપંચ ધવલભાઈ કોટડીયા એ માંગણી કરી છે.