ફુલ માર્કટમાં રોજના આશરે 2000 કિલોથી વધુના ફુલોનો ઉપાડ
ક્ષ ગુલાબ રૂ. 400ના કિલો અને ગલગોટા રૂ.100ના કિલો: ભાવવધારો થતા ફુલોના વેપારીઓ ખુશ-ખુશાલ
નવરાત્રી શરૂ થતાની સાથે જ માતાજીની આરાધના કરવા ફુલ બજારોમાં ફુલોના ભાવમાં તેજી આવી છે. ફુલોના ભાવમાં બે ગણો વધારો થતા લોકોએ ફુલ લેવાનું પ્રમાણ ઘટાડયું છે. ખાસ કરી નવરાત્રીમાં ફુલ બજારમાં ગુલાબના ફુલ ગલગોટાની ભારે ડિમાન્ડ રહે છે. જે ગુલાબ પારેવડી ચોકમાં 50ના કિલોના ભાવે મળતા હતા તે હવે રૂ.100ના કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. ફુલોના હારમાં પણ વધારો થયો છે. રૂ.30થી માંડી રૂ.500 સુધીના ગુલાબ, ગલગોટાના હાર માર્કટમાં મળી રહ્યા છે. માતાજીની આરાધના કરવાનો પર્વ એટલે નવરાત્રી કે જયારે નવ દિવસ માંની આરાધના કરવામાં આવે છે. સાથે માતાજીને ફુલો, ચુંદડી, ઘરેણાનો શણગાર સજાવવામાં આવે છે. ફુલોનો ભાવ હોલસેલ માર્કટમાં ડબલ થયા છે. ગલગોટા અને ગુલાબની માંગમાં પણ વધારો થયો છે. જેના કારણે ભાવ વધારો થયો છે. જો કે ફુલોના વેપારીઓનું કહેવું છે કે, કોરોના કાળ દરમ્યાન ફુલ પકવતા ખેડૂતો માટે ખૂબ કપરો સમય હતો. પરંતુ હવે પરિસ્થિતિ સુધરી છે. તહેવારોનો સમય આવ્યો છે, તેવામાં ફુલ માર્કટમાં તેજી જોવા મળી રહી છે. રીટેલમાં ફુલોનો રોજનો ઉપાડ 150થી 200 કિલો અને ફુલ માર્કટમાં રોજનો 1500થી 2000 કિલો ફુલોનો ઉપાડ થતા ફુલોના વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
- Advertisement -
ઑફ્ફ સીઝનમાં રૂ. 70ના કિલો મળતાં ગુલાબ અત્યારે રૂ. 400ના કિલો
છેલ્લા 20 વર્ષથી ફુલોનો ધંધો કરતા જગદિશ ફ્લાવર્સવાળા કેતનભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, નવરાત્રીનો તહેવાર આવતાની સાથે ફુલના ભાવમાં વધારો થયો છે. ગુલાબ ઓફ સીઝનમાં રૂ. 70ના કિલોના ભાવે વેંચાય છે. જયારે નવરાત્રી દરમ્યાન હાલ ગુલાબનો ભાવ રૂ. 400ના કિલો છે. ગલગોટા રૂ. 100ના કિલો અને ઓફ સીઝનમાં રૂ. 200થી 300ના કિલો તથા ગુલાબનો હાર રૂ.200થી 250 જયારે ઓફ સીઝનમાં રૂ. 100થી 150 અને ગલગોટાનો હાર રૂ.50, જ્યારે ઓફ સીઝનમાં રૂ.30થી 50ના ભાવે વેંચાય છે. આમ, ફુલોની ડિમાન્ડ વધતા ફુલોના ભાવમાં વધારો થયો છે.