આગામી સપ્તાહે સંસદમાં બિલ રજુ થઇ શકે : કાયદામાં 40 જેટલા સુધારાની શક્યતા
વકફની સંપત્તિનું ફરજિયાત વેરિફિકેશન, બોર્ડમાં મુસ્લિમ મહિલાઓને પણ સ્થાન મળશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.5
કેન્દ્ર સરકાર મુસ્લિમો માટેના વકફ કાયદામાં સુધારો કરવા જઇ રહી છે. એવા અહેવાલો છે કે આ સુધારા માટે કેબિનેટ દ્વારા બિલને પણ મંજૂરી આપી દેવાઇ છે જેને હવે સંસદમાં રજુ કરવામાં આવશે. કેબિનેટ દ્વારા વકફ કાયદામાં કુલ 40 જેટલા સુધારાને મંજૂરી અપાઇ છે. જેમાં મોટાભાગના સુધારા વકફ બોર્ડને સંપત્તિ પર મળેલા અધિકારો પર કાપ મુકવા માટેના છે. સુધારા મુજબ વકફ બોર્ડ કોઇ પણ સંપત્તિને પોતાની રીતે વકફની સંપત્તિ જાહેર નહીં કરી શકે.
પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર દ્વારા વકફ કાયદામાં સુધારો કરવામાં આવે તો બાદમાં વકફ બોર્ડે જો કોઇ સંપત્તિ પર દાવો કર્યો હશે તો તેનું સંપૂર્ણ વેરિફિકેશન કરવામાં આવશે. આ સંશોધનોનું બિલ આગામી સપ્તાહે સંસદમાં રજુ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. વકફ બોર્ડ લગભગ 940,000 એકરમાં ફેલાયેલી 870,000 સંપત્તિઓની દેખરેખ કરે છે. વર્ષ 2013માં યુપીએ સરકારે મૂળ વકફ કાયદા 1995માં સુધારો કરીને વકફના અધિકારોને મજબૂત કર્યા હતા. આ સુધારો ઔકાફને રેગ્યુલેટ કરવા માટે લાગુ કરાયો હતો. એક વકીફ દ્વારા દાન કરાયેલી અને વકફ તરીકે નામિત સંપત્તિને ઔકાફ કહેવામાં આવે છે. વકીફ તે વ્યક્તિને કહેવામાં આવે છે કે જે મુસ્લિમ કાયદા દ્વારા પવિત્ર, ધાર્મિક કે ધર્માર્થ સ્વરુપે માન્યતા પ્રાપ્ત ઉદ્દેશ્યો માટે સંપત્તિ સમર્પિત કરે છે.કેન્દ્ર સરકાર દ્વારા વકફ કાયદામાં સુધારા માટે જે બિલ તૈયાર કરાયું છે તેમાં મોટા ફેરફારોનો ઉલ્લેખ છે. જે મુજબ વકફ બોર્ડે દાવો કર્યો હોય તે તમામ સંપત્તિનું ફરજિયાત વેરિફિકેશન કે ખરાઇ થશે. કાયદાની કલમ 9 અને 14માં સુધારો કરાશે અને મુસ્લિમ મહિલાઓને પણ વકફ બોર્ડમાં સામેલ કરાશે. જે પણ સંપત્તિનો વિવાદ હાલ ચાલી રહ્યો હોય તેનું પણ ફરજિયાત વેરિફિકેશન કરાશે. દુરુપયોગ અટકાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને પણ વકફ સંપત્તિની દેખરેખ માટે સામેલ કરાશે. વર્ષ 2022માં તામિલનાડુ વકફ બોર્ડ દ્વારા રાજ્યના પુરા એક ગામ થિરુચેનુદુરાઇ પર પોતાનો દાવો કર્યો હતો. જ્યારે આ ગામમાં હિન્દુઓ બહુમતમાં છે. આ દાવા બાદ વિવાદ પણ સામે આવ્યો હતો.
- Advertisement -
વકફ કાયદામાં સુધારાને લઇને વિવિધ રાજકીય પક્ષો દ્વારા અભિપ્રાયો વ્યક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રમાં એનડીએના સાથી પક્ષ જદ(યુ)એ કહ્યું છે કે અમે બિલનો અભ્યાસ કર્યા બાદ આ અંગે અભિપ્રાય આપીશું. જ્યારે લાલુ પ્રસાદ યાદવના પક્ષ રાજદના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું હતું કે દેશના વર્તમાન મહત્વના મુદ્દાઓ પર કોઇ ચર્ચા ના થાય અને ધ્યાન ભટકાવી શકાય તે માટે સરકાર આ સુધારો કરવા જઇ રહી છે. સરકારની નજર કઇક બીજે અને નિશાન કઇક અન્ય સ્થાને જ છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય મૌલાના ખાલિદ રશીદે કહ્યું હતું કે સંપત્તિ વકફની બની ગયા બાદ તેને વેચી ના શકાય, ના તો તેના પર કોઇ અન્ય દાવો કરી શકે. વકફની 60થી 70 ટકા સંપત્તિનો હિસ્સો મસ્જિદો, દરગાહ અને કબ્રસ્તાનનો છે. સરકાર દ્વારા જો કાયદામાં સુધારા કરવામાં આવે તો તે પહેલા તમામ લોકોની સાથે ચર્ચા કરવી જોઇએ.
વકફ બોર્ડ પાસે 9 લાખ એકરથી વધુની સંપત્તિ !
15 વર્ષમાં બમણી થઈ, રેલવે-ડિફેન્સ પછી સૌથી વધુ મિલકત
મોદી સરકાર વકફ બોર્ડ એક્ટમાં મોટા સુધારા કરવા તૈયાર છે. કેન્દ્રીય કેબિનેટે કાયદામાં લગભગ 40 સુધારાઓને મંજૂરી આપી છે, જેને વકફ બોર્ડની સત્તાઓને ફરીથી નિર્ધારિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકાર વકફ બોર્ડની કોઈપણ મિલકતને ‘વકફ પ્રોપર્ટી’ બનાવવાની સત્તા પર અંકુશ લગાવવા માગે છે.
40 સૂચિત સુધારાઓ અનુસાર વકફ બોર્ડ દ્વારા મિલકતો પર કરવામાં આવેલા દાવાઓની ફરજિયાત ચકાસણી થશે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સરકારના આ પગલાનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, વકફ બોર્ડની કાનૂની સ્થિતિ અને સત્તામાં કોઈપણ પ્રકારની દખલગીરી સહન કરવામાં આવશે નહીં.
વકફ શું છે?
‘વકફ’ અરબી શબ્દ ‘વકુફા’ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે રહેવું. વકફ એ ઇસ્લામિક કાયદા હેઠળ ધાર્મિક અથવા સખાવતી હેતુઓ માટે ખાસ સમર્પિત મિલકતોનો ઉલ્લેખ કરે છે. ઇસ્લામમાં આ એક પ્રકારની સખાવતી વ્યવસ્થા છે. વકફ એ મિલકત છે જે ઇસ્લામના અનુયાયીઓ દ્વારા દાનમાં આપવામાં
આવે છે.
તે જંગમ અને સ્થાવર બંને હોઈ શકે છે. આ સંપત્તિ વકફ બોર્ડ હેઠળ આવે છે. જલદી પ્રશ્નમાં મિલકતની માલિકી બદલાય છે, એવું માનવામાં આવે છે કે મિલકત માલિક પાસેથી અલ્લાહને ટ્રાન્સફર કરવામાં આવી છે. આ સાથે તે બદલી ન શકાય તેવું બની જાય છે.
’એકવાર વકફ, હંમેશા એખ વકફ’નો સિદ્ધાંત અહીં લાગુ પડે છે, એટલે કે એક વાર મિલકતને વકફ દ્વારા જાહેર કરવામાં આવે તો તે હંમેશા એવું જ રહે છે. વકફ મિલકતોના સંચાલન માટે દરેક રાજ્યમાં એક વકફ બોર્ડની રચના કરવામાં આવી છે.