મનપાનું જનરલ બોર્ડ બૂમ બરાડાથી ગાજી ઉઠ્યું, પક્ષ પલટા મુદ્દે ભાજપે બોર્ડ ગજવ્યું
મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું, જેમાં કુલ 32 પ્રશ્નો પૂછાયા: 9 દરખ્સાતો પર નિર્ણય લેવાશે
- Advertisement -
વશરામ સાગઠિયાનો સવાલ: 11.36 કરોડનો વેરો બાકી હોવાનું કારણ શું…શું તમારું સેટીંગ છે….?
ખાસ-ખબર સંવાદદાતા
આજરોજ રાજકોટ મનપાનું જનરલ બોર્ડ યોજાયું હતું જેમાં આપના શાસકોએ વિવિધ પ્રશ્ર્નો કરી શાસકોને ભીડવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે બોર્ડની શરૂઆતમાં જ વિપક્ષી શાસકોએ બેસવાના વાદવિવાદ સાથે બોર્ડની શરૂઆત કરી હતી. આ બોર્ડમાં પહેલો પ્રશ્ર્ન કોંગ્રેસમાંથી ‘આપ’માં ગયેલા કોર્પોરેટર કોમલ ભારાઈનો હતો. વિપક્ષોએ વિવિધ પ્રશ્ર્નો પૂછતાં બોર્ડમાં હોબાળો અને ‘તું તારી’નો માહોલ સર્જાયો હતો.
રાજકોટ મનપાની સામાન્ય સભાની શરૂઆતમાં જ શાસક-વિપક્ષ વચ્ચે ઉગ્ર આક્ષેપ -પ્રતિઆક્ષેપનો મારો શરૂ થયો હતો. કોંગ્રેસ છોડીને આપમાં ગયેલા કોમલ ભારાઈએ પહેલો પ્રશ્ર્ન શહેરની શાળા-કોલેજો પાસેથી કેટલો વેરો વસુલાયો? કેટલો બાકી તેમજ શાળા-કોલેજોમાં પાર્કિંગ કેટલા? જેવા વિવિધ પ્રશ્ર્નો અંગેનો મારો ચલાવ્યો હતો. આ તકે વાવડી સિપાહી જમાત વકફ ટ્રસ્ટ વાવડીને કબ્રસ્તાન માટે સરકારી ખરાબા વાવડી રે. સ.નં. 149- પૈકીની જમીનમાં નીમ કરવા અંગે, રાજકોટ મનપાની હદમાં આવેલી રાજકોટના સર્વે નં. 218 પૈકીની જમીન સમસ્ત રાવળ સમાજને સ્મશાન- સમાધિ સ્થાન માટે ફાળવવા અંગે, શહેરના વોર્ડ નં. 7માં વિજય પ્લોટ શેરી નં. 12માં આવેલ જાહેર યુરિનલ દૂર કરવા અંગે સહિતની અન્ય દરખાસ્તો અંગેની ચર્ચા કરાઈ હતી. ઉપરાંત શહેરની 407 શાળાઓ પાસેથી 11.36 કરોડનો વેરો મનપાને વસુલવાનો બાકી છે. 491 બિલ્ડિંગમાં 898 જેટલી શાળા-કોલેજ છે અને ગત વર્ષે વેરા વસુલાત 5.89 કરોડ, ચાલુ વર્ષના 5.47 કરોડની વસુલાત કરવામાં આવી હતી તેમજ 11.36 કરોડનો વેરો વસુલવાનો બાકી છે. આ ઉપરાંત ચાલુ વર્ષે સ્કીમ દરમિયાન 407 શાળાઓએ 2.88 કરોડનો વેરો ભર્યો એમાં 22 લાખ રૂપિયા ઓનલાઈન ભરવામાં આવ્યા હતા તેમજ 491 ખાનગી શાળામાંથી 399ના પ્લાન મંજૂર થયા છે તથા 140 શાળાની ઈમ્પેક્ટ ફીના કાયદા મુજબ રેગ્યુલાઈઝેશન કરવામાં આવ્યું છે અને 40 શાળાઓ એવી છે જે સૂચિત સોસાયટી અને ખરાબામાં છે. 125 શાળામાં પાર્કિંગની વ્યવસ્થા છે તેમજ 11.36 કરોડ બાકી છે તેમાં ભાજપનું સેટિંગ હોવાનો આક્ષેપ વશરામ સાગઠીયાએ કર્યો હતો. આમ સૌથી વધુ વેરો આ વર્ષમાં વસુલવામાં આવ્યો છે.
- Advertisement -
આમ શહેરની 898 શાળા પાસેથી ચાલુ વર્ષે મનપાને કુલ 11.36 કરોડનો વેરો વસુલવાનો બાકી છે. આ ઉપરાંત શહેરમાં શાળા-કોલેજ કેટલી? ખાનગી શાળા કોલેજ બનાવવા માટે જીડીસીઆરની મંજૂરી અંગે અને તેની કામગીરી અંગેના પ્રશ્ર્નો રજૂ કર્યા હતાં. મનપામાં 23 અર્બન હેલ્થ સેન્ટર છે જેમાંથી 22 કાર્યરત છે. આ તમામે તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં વિવિધ રોગની તપાસ કરવામાં આવે છે અને બીજા અર્બન હેલ્થ સેન્ટર આવનારા દિવસોમાં નવા ભળેલા વિસ્તાર માધાપર, મુંજકા, વાવડીમાં સ્ટેટની ગ્રાન્ટ આધારિત બનાવવામાં આવનાર છે.
ભાજપના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ પક્ષપલ્ટુ કોમલ ભારાઈ પર આક્ષેપ કર્યો હતો કે વશરામ સાગઠીયાએ આમઆદમીમાં જોડાવા 25 લાખની ઓફર કરી હતી. જેના પ્રત્યુત્તરમાં કોમલ ભારાઈએ કહ્યું કે દંડકના આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે તથા સુરેન્દ્રસિંહ વાળાએ પ્રશ્ર્નો કર્યા હતા કે મિલ્કત વેરો વસુલવા કેટલી શાળાને નોટીસ ફટકારાઈ છે અને કેટલી શાળાઓ સીલ કરવામાં આવી તથા શું કામગીરી કરવામાં આવી? તેવા પ્રશ્ર્નો અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
આમ અંતમાં આજની જનરલ બોર્ડ વાદવિવાદ વચ્ચે પૂરી કરવામાં આવી હતી અને 9 દરખાસ્તો પર નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉપરાંત પક્ષપલ્ટો કરેલા વશરામ સાગઠીયા અને કોમલ ભારાઈએ અનેક પ્રશ્ર્ને ભાજપને ભીડવવાની કોશિશ કરી હતી.
તમારા જેવા 500 આવે તો ય ભાજપને ફેર નહીં પડે: જયમીન ઠાકર
આજના જનરલ બોર્ડમાં વિવિધ પ્રશ્ર્નો અંગે પ્રશ્ર્નોત્તરી કરતાં ‘આપ’ના વશરામ સાગઠીયા અને ભાજપ કોર્પોરેટર જયમીન ઠાકર વચ્ચે ‘તુ તારી’ થઈ હતી. પ્રજાના વિકાસના પ્રશ્ર્નો કરતાં વશરામ સાગઠીયાને જયમીન ઠાકરે કહ્યું કે જે પક્ષને વફાદાર નથી એ પ્રજાને શું વફાદાર રહેશે? તેમજ આમઆદમી પાર્ટીનું પાંચીયું પણ ન આવે. તમે તમારી માતૃસંસ્થાને વફાદાર નથી તેમ કહી સામ-સામે તું તારીનો મારો ચલાવ્યો હતો.