સરીતા વિહાર સોસાયટીથી ફન બ્લાસ્ટ જતા રોડ પર નીકળવું યાતના સમાન
પાણી ભરાઈ ગયું હોવાથી ત્યાં ખાડો છે તેની ખબર નથી રહેતી એટલે ગાડી સ્લીપ થઈ જાય છે
4 મહિના પહેલા જ રોડ બનાવ્યો હતો જે ભાંગીને ભૂક્કો થયો: જ્યારે કટારીયા ચોકડી બંધ કરશે ત્યારે હાલત વધુ વકરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં ગત વર્ષની સરખામણીએ હજુ આ વર્ષે ચોમાસાનો અનરાધાર વરસાદ વરસ્યો નથી. પરંતુ ચાલુ વર્ષે રાજકોટના રાજમાર્ગો, નાના મોટા રોડ, નવા અને જુના રાજકોટના ટ્રાફિકથી ધમધમતા વિસ્તારો, શહેરના હાઇવે ટચ પ્રવેશદ્વારો સાથે જોડાયેલા ડામર રોડ એવી રીતે ધોવાઇ ગયા છે કે થીગડા પણ લાગી શકે તેવી હાલત નથી. ત્યારે 4 મહિના પહેલા જ બનેલો નવો રોડ ભાંગીને ભૂક્કો થયો છે. કાલાવાડ રોડ પર આવેલી સરીતા વિહાર સોસાયટીથી ફન બ્લાસ્ટ તરફ જતા જે નવા રીંગ રોડને ટચ થાય છે તે રસ્તાની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે. ત્યાં 1 ફૂટથી વધુના ખાડા પડી ગયા છે. અહીં રોજ બેથી ત્રણ બાઈક સ્લીપ ખાય છે. અનેક રજૂઆત છતાં તંત્રના પેટમાં પાણી હલતુ નથી. ટુ વ્હીલર ચાલકોને તો ખાડા તારવવા જતા બીજા વાહનો સાથે ભટકાવવાનું જોખમ રહે છે. દિવસમાં બે-ચાર વખત નાના-મોટા અકસ્માત થતા હોવાનું આ વિસ્તારના લોકો કહે છે. પરંતુ ખાડાનો વિકાસ ચાલુ જ છે. રાજકોટના હજારો વાહન ચાલકો જે રોડ પરથી નિયમિત અવરજવર કરે છે તે રૈયા રોડ અને કાલાવડ રોડની હાલત ખખડી ગઇ છે. રસ્તાની હાલત એટલી ખરાબ થઇ છે કે બ્રીજના કામ માટે કટારીયા ચોક હાલ બંધ કરવાનું પણ તંત્રએ માંડી વાળ્યું છે.
નેતા-અધિકારીઓને ટુ વ્હીલર પર શહેરમાં ફેરવવામાં આવે તો ખબર પડે
ચૂંટાયેલા નેતા અને અધિકારીઓને જો ટુ વ્હીલર પર શહેરમાં ફેરવવામાં આવે તો જ તેઓને આ હાલતનો અનુભવ થઇ શકે તેમ છે. અરે કમ સે કમ સીટી બસમાં બેસીને એક વખત ચૂંટાયેલા લોકો અને અધિકારીઓ આવા તમામ રસ્તાઓનો રાઉન્ડ લઇ તો સામાન્ય નાગરિકની યાતનાનો ખ્યાલ આવી શકે તેમ છે. બાકી આધુનિક પધ્ધતિથી થીગડા મારવાથી દર વર્ષનો આ પ્રશ્ર્ન ઉકેલાય તેમ નથી. એકને એક જગ્યાએ દર વર્ષે પાણી કેમ ભરાય તેવો સવાલ ખુદ મુખ્યમંત્રીએ કર્યો હતો. પરંતુ હવે રાજકોટમાં બનતા રોડનું આયુષ્ય વધશે તેવી ગેરેંટી કોઇ આપી શકતું નથી!