કથામૃત: એક મોટા શહેરમાં શ્રીમંત પરિવારમાં લગ્નનો શુભપ્રસંગ હતો. શહેરની લગભગ તમામ નામાંકિત વ્યક્તિઓ આ પ્રસંગમાં હાજર હતી. હાજર લોકો પોતપોતાના ગૃપમાં વાતો કરતા હતા અને લગ્નની મજા માણતા હતાં. મહિલાઓના એક ગૃપમાં એક બહેન પોતાના દીકરાની ચિંતા વ્યકત કરતાં બોલ્યા, મારા દીકરાને ખવડાવવા માટેના ખૂબ પ્રયાસ કરું છું પણ એ ખાતો જ નથી. રસોઈયા મહારાજ પાસે જાત-જાતની વાનગીઓ તૈયાર કરાવડાવું છું, પણ એ કોઈ વાનગી જમતો જ નથી. મને એ નથી સમજાતું કે હવે હું શું કરું ? બીજાં એક બહેને કહ્યું, અરે મારા દીકરાને પણ આ જ પ્રશ્ન હતો. પણ જ્યારથી ડો. ઈશ્વરની દવા લીધી છે ત્યારથી એ બધું જ બહુ સારી રીતે જમે છે. તમે પણ ડો. ઈશ્વરને મળો. આજે તો એ અહીં જ છે. જો પેલા ટેબલ પર બેઠા. એમને મળીને વાત કરો. પેલા બહેન ઊભાં થઈને ડો. ઈશ્વર પાસે ગયા અને પોતાના દીકરાની બધી જ વાત કરી. ડોક્ટરે એ બહેનને પોતાની હોસ્પિટલ પર આવવા માટે કહ્યું, અને એની દવાથી છોકરો ખાવા માંડશે એની ખાતરી આપી. આ વાતચીત દરમિયાન એક કિશોર જે કેટરિંગ કંપનીમાં નોકરી કરતો હતો અને આ પ્રસંગમાં બધાંને આઈસ્ક્રીમ આપતો હતો તે ધ્યાનથી આ વાત સાંભળી રહ્યો હતો, અને ડોક્ટરની સામે ટગર ટગર જોઈ રહ્યો હતો. ડો. ઈશ્વર માયાળુ સ્વભાવના હતા એટલે એણે પેલા છોકરાને પૂછ્યું, બેટા , કંઈ કામ છે ? કેમ અહીં ઊભો રહીને મારી સામે જોયા કરે છે ? છોકરાએ આશ્વર્ય સાથે કહ્યું, સાહેબ, મારે એક નાની બહેન છે. એને બહુ જ ભૂખ લાગે છે. એ મારી મા પાસે ખાવાનું માંગ્યા કરે છે. પણ કમાનારો હું એક જ હોવાથી મારી મા એને પૂરતું ખાવાનું આપી શકતી નથી. હેં સાહેબ, તમારી પાસે એવી દવા છે કે જે લીધા પછી મારી બહેનને ભૂખ લાગે જ નહીં ?
બોધામૃત: આપણી પાસે બધું જ હોવા છતાં જો ભૂખ ન લાગતી હોય, તો જેને બહુ જ ભૂખ લાગતી હોય અને કંઈ ખાવાનું ન હોય; એમને આપણા ભાગમાંથી થોડું આપવું એટલે સામેવાળાના ભાગની થોડી ભૂખ પણ આપણને મળી જશે.