અગાઉ લાંચ રૂશ્વત નિવારણ અધિનિયમ 1988 હેઠળ બે વર્ષ સુધી સસ્પેન્ડ રાખવાની જોગવાઈ હતી
છેલ્લા 20 વર્ષથી અમલી નિયમમાં ફેરફાર કરી લાંચિયાઓને ગૃહવિભાગે આપી મોટી રાહત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
લાંચ લેતા પકડાયા બાદ ફરી નોકરી પર હાજર થવાની તાલાવેલીવાળા પોલીસ અધિકારી અને કર્મચારીઓને રાજ્ય સરકારના ગૃહવિભાગે મોટી રાહત આપી છે. 20 વર્ષ જૂના નિયમમાં ફેરફાર કરીને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે, અગાઉ ભ્રષ્ટાચારના કેસમાં સંડોવાયા બાદ સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી-કર્મચારીને બે વર્ષ સુધી ફરજ મોકૂફ રાખવામાં આવતા હતા. તેઓને હવે એક વર્ષની રાહત આપીને લાંચકેસમાં પકડાયાના એક વર્ષ બાદ જ નોકરી પર પુન: ચડાવી દેવામાં આવશે. આ પરિપત્ર ગૃહવિભાગના ઉપસચિવ વાઘેલાએ 12 નવેમ્બરના બહાર પાડીને રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસવડાઓને મોકલી આપી આ પરિપત્રનો તાકીદથી અમલ કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના કોઇપણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટર કે તેનાથી ઉતરતા દરજ્જાના પોલીસ અધિકારી કે કર્મચારી લાંચ લેતા પકડાય અથવા તો ડી.એ. કેસ મુજબ લાંચ રૂશ્વત નિવારણ અધિનિયમ 1988 હેઠળ કેસ દાખલ થાય અને પોલીસ અધિકારી કે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે તો તેઓને બે વર્ષ સુધી ફરજ પર પુન: ન લઈ શકાય તેવી જોગવાઈ હતી. જો કે રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીએ ગૃહવિભાગને દરખાસ્ત કરીને સમીક્ષા કરવા માટે સૂચન કર્યું હતું.
દરમિયાન તા.13-09-2004ના ઠરાવની પુન: વિચારણા કરવાની દરખાસ્ત અંગે સમીક્ષા કરવામાં આવ્યા બાદ એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, પોલીસ તપાસના જે કેસમાં સંબંધિત અધિકારી-કર્મચારી સામે લાંચનો ગુનો નોંધાયો હોય, કોર્ટમાં તપાસનીશ પોલીસ અધિકારીએ તહોમતનામું મુકી દીધેલું હોય તેવા કિસ્સામાં ફરજમોકૂફી હેઠળ મુકાયાના એક વર્ષ બાદ જ પુન: સ્થાપિત કરવા એટલે કે એક વર્ષ બાદ જ નોકરી પર લઈ લેવા. જ્યારે અગાઉનો જે 13-09-2004ના ઠરાવમાં અન્ય જે જોગવાઈઓ હતી તે યથાવત રાખવામાં આવી છે.