ભારતના એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર માર્ક-3 ખરીદવાની ઈચ્છા બતાવી
ખાસ-ખબર સંવાદદાતા
ચીનને સાઉથ ચાઈના સીમાં ટક્કર આપી રહેલા ફિલિપાઈન્સ હવે ભારત પાસેથી એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર ખરીદવામાં રસ બતાવી રહ્યુ છે. બહુ જલ્દી ફિલિપાઈન્સ મેક ઈન ઈન્ડિયા એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર માર્ક 3 ના ત્રણ નંગ ખરીદી શકે છે. આ માટે ભારત અને ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડ વચ્ચે એક કરાર પણ થયો છે. બંને તટરક્ષક દળ એક બીજા સાથે જાણકારી શેર કરવા માટે સંમત થયા છે. ભારતની મદદથી ફિલાઈન્સ પોતાની સૈન્ય શક્તિમાં વધારો કરી રહ્યુ છે.
ભારત અને ફિલિપાઈન્સ બંને ચીનની આક્રમકતાનો સામનો કરી રહ્યા છે. ભારત લદ્દાખ મોરચે તો ફિલિપાઈન્સ સાઉથ ચાઈના સીમાં આવેલા ટાપુઓની માલિકાના મુદ્દે ચીનની દાદાગીરીનો પ્રતિકાર કરી રહ્યુ છે. ફિલિપાઈન્સ જે હેલિકોપ્ટર ભારત પાસેથી ખરીદવા માંગે છે તે એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર માર્ક 3 સ્વદેશી ધ્રુવ હેલિકોપ્ટરનુ જ લડાયક પ્રકારનુ વેરિએન્ટ છે. જેને ભારતીય નૌસેના અને કોસ્ટ ગાર્ડ પહેલેથી જ ઉપયોગમાં લઈ રહ્યા છે. 5. 5 ટન વજનનુ આ હેલિકોપ્ટર મલ્ટી રોલ, મલ્ટી મિશન કેટેગરીમાં આવે છે. તેના એક કરતા વધારે ઉપયોગ છે. તેના પર અત્યાધુનિક સર્વેલન્સ રડાર ફિટ કરાયુ છે અને તે 120 નોટિકલ માઈલની રેન્જમાં જહાજો અને નૌકાઓની ભાળ મેળવી શકે છે.